Gaurang Vyas Passes Away: ગુજરાતી સંગીત અને ફિલ્મ જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર, સંગીત દિગ્દર્શક અને ગાયક ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સંગીત સૃષ્ટિમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમની અંતિમ યાત્રા આજે સવારે 11:30 વાગ્યે આંબાવાડી સ્થિતિ તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને અર્પી શ્રદ્ધાંજલિ
ગૌરાંગ વ્યાસના નિધન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરીને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત, મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "ગુજરાતી ફિલ્મ અને સુગમ સંગીતના અગ્રણી પ્રયોગશીલ સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ગૌરાંગભાઈએ પોતાના કાળજયી સંગીત દ્વારા ગુજરાતી કલા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે."
વારસામાં મળ્યો હતો સંગીતનો અનમોલ ખજાનો
ગૌરાંગ વ્યાસનો જન્મ 24 નવેમ્બર 1938 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીત પ્રત્યે ભારે શોખ હતો. તેમના પિતા સુપ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર અને ગીતકાર અવિનાશ વ્યાસ હતા. પિતા તરફથી વારસામાં મળેલી આ અદ્ભુત સંગીતકળાને કારણે તેમણે શાસ્ત્રીય સંગીત સહિતનું શિક્ષણ અને તાલીમ મેળવી, જેણે ભવિષ્યમાં સંગીતકાર, સંગીત દિગ્દર્શક અને ગાયક તરીકેની તેમની કારકિર્દીને મજબૂત આકાર આપ્યો હતો.
100 ફિલ્મો અને 500થી વધુ ગીત કર્યા સંગીતબદ્ધ
ગૌરાંગ વ્યાસે પોતાની સંગીત સફર દરમિયાન 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું હતું અને 500થી વધુ ગીતો, કવિતાઓ તેમજ ગઝલકારોની રચનાઓને સંગીતથી મઢી હતી. ગુજરાતી સંગીતની સમૃદ્ધ પરંપરાને આગળ ધપાવતા તેમણે લોકસંગીત, ભજન, રાસ ગરબા અને સુગમ સંગીત જેવા વિવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
સ્વ. ગૌરાંગ વ્યાસના નોંધપાત્ર ફિલ્મ સંગીતમાં લવની ભવાઈ, ભવની ભવાઈ (1981), મણિયારો (1980), નસીબની બલિહારી (1982) અને સુપરહીટ ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું (2001) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
કાળજયી ગીતો અને આલ્બમોની ભેટ, GIFA એવોર્ડ
સ્વ. ગૌરાંગ વ્યાસના સંગીત આલ્બમ્સ લોકોના ઘરોમાં અને હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, જેમાં ભજન અનમોલ, જલારામની ઝૂંપડી, ગંગા સતીના ભજનો, કહત કબીર, નોન સ્ટોપ ડાંડિયા રાસ અને પ્રાચીન પ્રભાતિયા અત્યંત પ્રચલિત છે.
આ ઉપરાંત, તેમના સંગીતથી સજ્જ ગીતો 'આજ વગડાવો રુડા શરણાઈ…' અને 'મને એકલી મેલીને' જેવી લોકપ્રિય રચનાઓ આજે પણ વહેતી જોવા મળે છે. ગુજરાતી ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં આપેલા આ વિશિષ્ટ ફાળા બદલ તેમને 'GIFA' તરફથી પ્રતિષ્ઠિત 'ગોલ્ડન એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો હતો.
