Misri Movie 2025: ગુજરાતી ફિલ્મ 'મિશ્રી'ની સ્ટારકાસ્ટ અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયા સહિતના કલાકારો હાલમાં વિવાદમાં ફસાયા છે. અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર કરવામાં આવેલા જોખમી બાઇક સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગુજરાત પોલીસ અને અમદાવાદ ટ્રાફિક પોલીસે તેની ગંભીર નોંધ લીધી છે. મહત્ત્વનું છે કે, પોલીસે એક્ટ્રેસ માનસી પારેખ અને એક્ટર રોનક કામદાર સહિત અન્ય સ્ટારકાસ્ટ સામે ગુનો નોંધ્યો છે.
એક્ટ્રેસ માનસી પારેખે હેલમેટ વગર બાઈક પર ઊભા રહી જીવલેણ સ્ટંટ કર્યા
મળતી માહિતી મુજબ, વાઈરલ થયેલા વીડિયોમાં કલાકારો સ્પોર્ટ બાઇક પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે એક્ટ્રેસ માનસી પારેખ હેલ્મેટ પહેર્યા વગર ચાલુ બાઇકની પાછળ ઊભા થઈને સ્ટંટ કર્યા હતા. તો વરિષ્ઠ એક્ટર ટીકુ તલસાણીયા પણ બાઇક પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આમ જાહેર રસ્તા પર સ્ટંટ કરીને કલાકારોએ માત્ર પોતાનો જીવ જ નહીં, પણ અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો.
પોલીસે મિસરી ફિલ્મના કલાકારો સામે ગુનો નોંધ્યો
આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાઈરલ વીડિયોને આધારે ઓળખ કરી કલાકારો સામે ગુનો નોંધ્યો છે. સ્ટંટમાં વપરાયેલી એક ખુલ્લી જીપ અને બે મોટરસાયકલની ઓળખ થઈ ગઈ છે. જેમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે MV Actની કલમ 281, 177 અને 185 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફિલ્મ 'મિસરી' (Misri) ના સ્ટાર્સ (Cast)
- માનસી પારેખ (Manasi Parekh) – પૂજા (Pooja) ના રોલમાં
- રૌનક કામદાર (Raunaq Kamdar) – અર્જુન (Arjun) ના રોલમાં
- ટીકુ તલસાણિયા (Tiku Talsania) – સામ (SAM) ના રોલમાં
- પ્રેમ ગઢવી (Prem Gadhavi) – જીગ્નેશ (Jignesh) ના રોલમાં
- હિતુ કનોડિયા (Hitu Kanodia) – પીઆઈ (PI) ના રોલમાં
- કૌશામ્બી ભટ્ટ (Kaushambi Bhatt) – પિંકી (Pinki) ના રોલમાં
- પ્રિન્સી પ્રજાપતિ (Princy Prajapati) – અવની (Avni) ના રોલમાં
ફિલ્મ 'મિસરી' એક ગુજરાતી ભાષાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મના ક્રૂ (Crew) માં કુશલ નાયક (Kushal Naik) (દિગ્દર્શક, લેખક), સંજય સોની (Sanjay Soni) અને કૃપા સોની (Krupa Soni) (નિર્માતા), અને પાર્થ ભરત ઠક્કર (Parth Bharat Thakkar) (સંગીતકાર) નો સમાવેશ થાય છે.
