Ahmedabad Police, Misri Cast Controversy: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ, જાહેર રોડ પર જીપ અને ટુ-વ્હીલર પર પુરપાટ ઝડપે, બેદરકારીપૂર્વક અને અન્યની જિંદગી જોખમાય તે રીતે સ્ટંટ કરવા બદલ ફિલ્મ 'મિસરી'ના કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વીડિયોના આધારે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટંટના વીડિયો પર પોલીસની કડક કાર્યવાહી
સોશિયલ મીડિયામાં પ્રસારીત થયેલા આ વીડિયોને ધ્યાનમાં લઈને એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે વીડિયોમાં દેખાતા વાહનચાલકોની ઓળખ કરીને ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેમાં ટીકુ ચંપકલાલ તલ્સાણિયા, પ્રેમકુમાર રવિદાન ગઢવી અને જેસલ મધુભાઇ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
એક્ટર ટીકુ તલસાણિયાએ માફી માગી
પોલીસ કાર્યવાહી બાદ, અટકાયત કરાયેલા કલાકારોએ તેમની ભૂલ સ્વીકારી હતી. દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાણિયાએ આ ઘટના અંગે દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "અમારા લીધે રોડ પર લોકોને મુશ્કેલી થઈ તે બદલ અમે દિલગીર છીએ. આવા સ્ટંટ ન કરવા જોઈએ. નોર્મલ રીતે રાઈડ કરવી અને પોતાની તથા બીજાની જિંદગી સેફ રાખવી જોઈએ." કલાકારો દ્વારા જાહેરમાં ભૂલ સ્વીકારવામાં આવી હતી.
પ્રોડ્યુસરનો બચાવ: 'પ્રમોશન નહોતું, રેન્ડમ વીડિયો હતો'
પોલીસે ગુનો નોંધ્યા બાદ ફિલ્મના પ્રોડ્યુસર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસે સ્ટંટ કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે બોલાવ્યા હોવાથી તેઓ સહકાર આપવા આવ્યા છે. પ્રોડ્યુસરના મતે, બાઇક પર થયેલો સ્ટંટ કોઈ નિયત સ્થળ કે પ્રમોશન માટે નહોતો, પરંતુ તે 'રેન્ડમ' બની ગયેલો બનાવ હતો અને કોઈક વ્યક્તિએ તેનો વીડિયો લઈને પોસ્ટ કરી દીધો હતો.
પ્રોડ્યુસરે એ પણ સ્પષ્ટતા કરી કે આ ઘટના રાત્રે ૧૧.૩૦ થી ૧૨ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે જાહેર રોડ પર કોઈ પબ્લિક હાજર નહોતી. તેમ છતાં, જાહેર રોડ પર આવા કૃત્ય અંગે તેમણે કહ્યું કે આવા સ્ટંટ ન થાય તે માટે તેઓ પણ સહમત છે. તેમણે ખાતરી આપી હતી કે તેઓ પોલીસની તમામ કાર્યવાહીમાં પૂરો સહકાર આપી રહ્યા છે.
