Gujarat Weather Forecast: નવરાત્રીના છેલ્લા દિવસે મેઘો વરસશે, ખેલૈયાઓની મજા બગાડશે; 19 ઓક્ટોબરે વરસાદની હવામાનની આગાહી

19 ઓક્ટોબરના રોજ નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થશે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હવામાન ચોખ્ખું અને સૂકું રહેવાની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 14 Oct 2026 04:41 PM (IST)Updated: Wed, 14 Oct 2026 04:52 PM (IST)
gujarat-weather-update-rain-likely-to-dampen-last-days-of-navratri-showers-expected-on-october-19

Gujarat Weather Forecast: નવરાત્રીના છેલ્લા દિવસે ખેલૈયાઓની મજા બગાડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનસાર, 19 ઓક્ટોબરના રોજ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગ અનુસાર, 15થી 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહેશે. જોકે 19 ઓક્ટોબરના રોજ નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થશે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હવામાન ચોખ્ખું અને સૂકું રહેવાની શક્યતા છે.

રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગોમાં સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ સક્રિય છે. સાથોસાથ ઉત્તર પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા જમ્મુ પર 3.1 થી 4.5 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશનના રૂપમાં સર્જાયું છે, જેની ટ્રફ 5.8 કિમીની ઊંચાઈએ ઉત્તરે ફેલાયેલી છે. હાલ વિસ્તારમાં નીચલા સ્તરે ઉત્તરથી ઉત્તર-પૂર્વીય દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની રેખા હાલ ધુબરી, કોલકાતા, અંગુલ, ખમ્મમ, હોનાવર પરથી પસાર થઈ રહી છે. આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબર, 2026થી દેશના બાકીના ભાગોમાંથી ચોમાસું સંપૂર્ણ વિદાય લેવા માટે અને દક્ષિણ ભારતમાં એકસાથે ઉત્તર-પૂર્વીય ચોમાસાના વરસાદની શરૂઆત થવા માટે સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે.

રાત્રે પણ ગરમી અને ઉકળાટ અનુભવાયો

14 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 8:30 વાગ્યે નોંધાયેલા હવામાનના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રીથી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે અને તે સામાન્ય કરતાં 0.1 ડિગ્રીથી લઈને 3.4 ડિગ્રી સુધી વધુ રહ્યું છે. જેમાં અમરેલીમાં સૌથી ઓછું 22.2 ડિગ્રી, જ્યારે કંડલામાં સૌથી વધુ 27 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોમાં ગાંધીનગરમાં 23 ડિગ્રી, પોરબંદરમાં 23.5, રાજકોટમાં 24.2, નલિયામાં 24.5 ડિગ્રી, વડોદરામાં 24.6, અમદાવાદમાં 24.7,ભાવનગર, ડીસા અને વેરાવળમાં સમાન 24.8 ડિગ્રી, સુરતમાં 25.1, ભુજ અને સુરેન્દ્રનગરમાં 26 ડિગ્રી, દ્વારકામાં 26.1 તથા ઓખામાં 26.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 3.4 ડિગ્રી, ભુજમાં 3.1 ડિગ્રી, નલિયામાં 2.9 ડિગ્રી અને અમદાવાદમાં 2.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે.

રાજ્યનું કયું શહેર રહ્યું સૌથી ગરમ

ગઇકાલે 13 ઓક્ટોબર 2026ના રોજ આકરી ગરમી રહી હતી. રાજ્યમાં 39.8 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ભુજમાં 39.3, રાજકોટમાં 39, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી સાથે ગરમ શહેર રહ્યાં હતા. તેમજ અમદાવાદમાં 38.5, સુરતમાં 38.1, કેશોદમાં 38, અમરેલીમાં 37.7, વડોદરામાં 37.6, કંડલા પોર્ટમાં 37, મહુવામાં 37, વલ્લભ વિદ્યાનગરમાં 36.9, ભાવનગરમાં 36.7, ગાંધીનગરમાં 36, નલિયામાં 36, પોરબંદરમાં 35, વેરાવળમાં 33.8, ઓખામાં 32.1 અને દ્વારકામાં 31.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.