Gujarat Weather Forecast Live Updates (03 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા હતી. જોકે વરસાદ ક્યાંય વરસ્યો હોય તેના અહેવાલ નથી. હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થાય તેવી સંભાવના નથી. એટલે કે હાલ રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી અને બપોરે ગરમીનો માહોલ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટ અનુસાર દિવાળી દરમિયાન પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા નહીં મળે. 13 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
આજે કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. નોંધનીય છેકે છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું વરસ્યું હતું. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કે તેથી ઉંચુ રહ્યું હતું.
દિવાળીમાં ગરમી રહેશે કે ઠંડીનો ચમકારો જોવા મળશે
ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી છે તો બપોરે હજી પણ ગરમી અકળાવી રહી છે. સામાન્ય રીતે નવેમ્બરમાં ઠંડીની શરૂઆત થાય છે. પરંતુ આ વખતે નવેમ્બરના પ્રારંભમાં ઠંડીની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ અનુસાર, 12 નવેમ્બર સુધી રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઉંચુ રહેશે. એટલે કે દિવાળી દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા હાલ દેખાતી નથી. લઘુત્તમ તાપમાન ઉંચુ રહેવાથી રાત્રે પણ ગરમી અનુભવાઇ શકે છે. મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય એટલે દિવસે પણ ગરમી યથાવત રહેશે. જોકે 13 નવેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. એટલે કે ઠંડીનો અહેસાસ થવા લાગશે. 13થી 26 નવેમ્બર લઘુત્તમ તાપમાન નીચું જઇ શકે છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ શકે છે.
મુરાસુ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે
બંગાળની ખાડીમાં સર્જાયેલું મુરાસુ વાવાઝોડું હવે વધુ મજબૂત બન્યું છે. આ વાવાઝોડું તીવ્ર ચક્રવાતી તોફાનમાં આજે ફેરવાયું છે. જોકે 22 પ્રતિ કલાકની ઝડપથી આગળ વધતા વાવાઝોડાની ઝડપ ઘટી છે અને છેલ્લા 6 કલાકમાં આ વાવઝોડું 16 કિ.મી.ની ઝડપથી આગળ વધ્યું છે. આ વાવાઝોડું આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાથી 120 કિ.મી. દૂર છે. મુરાસુ વાવાઝોડું આજે રાતથી લઇને કાલે વહેલી સવાર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાય તેવી પ્રબળ શક્યતા છે. વાવાઝોડું નેલ્લોરે અને નરસાપુરની વચ્ચેથી પસાર થશે. વાવાઝોડું જ્યારે પસાર થશે ત્યારે તેની ઝડપ 100થી 120 કિ.મી.ની રહી શકે છે. વાવાઝોડાની અસરના પગલે આંધ્ર પ્રદેશ, તમીલનાડુ, ઓડિશા, તેલંગણા અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
