Gujarat Weather Live: દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, રાજકોટ-વડોદરા સહિતના શહેરોમાં ગરમીનો પારો ઉંચો રહી શકે

હવામાન વિભાગ અનુસાર, આજે 17 જૂન અને 18 જૂનના રોજ સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ નોંધાઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 17 Jun 2026 06:00 AM (IST)Updated: Wed, 17 Jun 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-17-june-2026-imd-alert-monsoon-thunderstorm-heavy-rain-temperature

Gujarat Weather Forecast Live Updates (17 June 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઇ રહી છે પરંતુ આ વખતે તે નિર્ધારિત સમય કરતા મોડું છે. ચોમાસું ચાર-પાંચ દિવસ બાદ ગુજરાતમાં દસ્તક આપે તેવી શક્યતા છે. ખાસ કરીને 21થી 25 જૂન દરમિયાન ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી શકે છે અને ત્યારબાદ રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.

Gujarat Rain Alert: આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 17 જૂન અને 18 જૂનના રોજ સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ નોંધાઇ શકે છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે એટલે કે હાલ જે 40 ડિગ્રીની આસપાસ ગરમી નોંધાઇ રહી છે તેની આસપાસ આગામી સાત દિવસ મહત્તમ તાપમાન રહી શકે છે.

Gujarat rainy Weather: રાજ્યના આ ભાગોમાં વરસાદી માહોલ રહી શકે

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 17થી 19 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓ તથા દરિયાકાંઠાના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 20થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનો મોહાલ જોવા મળી શકે છે અને રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Ahmedabad weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. જોકે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગઇકાલે 16 જૂન 2026ના રોજ 40.6 મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે 29 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગઇકાલે 16 જૂન 2026ના રોજ મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે વરસાદની શક્યતા છે. જ્યારે શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી રહી શકે છે. ગઇકાલે 16 જૂન 2026ના રોજ 35 ડિગ્રી મહત્તમ તાપમાન અને 28.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી રહી શકે છે. ગઇકાલે 16 જૂન 2026ના રોજ 39.2 ડિગ્રી મહત્તમ અને 29.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Monsoon 2026 Update: ચોમાસું મજબૂતીથી આગળ વધ્યું

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેની નિર્ધારિત ગતિએ આગળ વધી રહ્યું છે, જેની ઉત્તરીય મર્યાદા હાલમાં હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, રાંચી અને મુઝફ્ફરપુર જેવા ભૌગોલિક બિંદુઓ પર પહોંચી છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાનમાં પલટો આવી શકે

હાલમાં પંજાબથી બિહાર સુધી નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરે ફેલાયેલી ટ્રફ અને હરિયાણા તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દેશના હવામાનમાં વ્યાપક પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણ હિમાચલ પ્રદેશ પર પશ્ચિમી વિક્ષોભ અને ઝારખંડ-બિહારની સરહદે નીચલા સ્તરે સર્જાયેલા હવાના દબાણને કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી છે. આ સાથે જ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીથી કેરળના દરિયાકાંઠા સુધી અને પૂર્વ ઉત્તર પ્રદેશથી આંધ્રપ્રદેશ સુધી અલગ-અલગ ટ્રફ રેખાઓ વિસ્તરેલી છે, જ્યારે આસામ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વરતાઈ રહી છે.

18 જૂનથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રબળ શક્યતા

આગામી પૂર્વાનુમાન મુજબ, 18 જૂન, 2026 થી ઉત્તર-પશ્ચિમ ભારત પર એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ 16 થી 22 જૂન દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં 16 થી 18 જૂન દરમિયાન વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર આગામી એક સપ્તાહ સુધી પશ્ચિમ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળશે.