Gujarat Weather Forecast: આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 29થી 31 ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક ભાગોમાં માવઠું થઇ શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવશે અને છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થશે. સાથેજ 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જેથી ગરમીમાં આંશિક રાહત મળશે.
આવતીકાલથી ત્રણ દિવસ વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે 29 ઓક્ટોબરના રોજ, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતા છે. જ્યારે 30 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે. 31 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
24 કલાકમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે
આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. જેના પગલે આગામી દિવસોમાં રાજ્યમાં હાલ જે ગરમી અનુભવાઇ રહી છે. તેમાંથી આંશિક રાહત મળી શકે છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું
બંગાળની ખાડીમાં બનેલું અર્નબ વાવાઝોડું આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાયું હતું. જે દરમિયાન તેની ઝડપ 135થી 150 કિ.મી. પ્રતિ કલાક હતી. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે. તેમ તેમ તેની તિવ્રતામાં ઘટાડો થઇ રહ્યો છે. વાવાઝોડાના પગલે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગણા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, વિદર્ભ, મધ્ય પ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
