Gujarat Weather Forecast Updates (06 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં બેવડી ઋતુનો દોર યથાવત છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગઇકાલે લઘુત્તમ તાપમાન નીચું નોંધાયું હતું. જેના કારણે એ વિસ્તરોમાં હળવી ઠંડી વર્તાઇ હતી. જોકે રાજ્યના અન્ય ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું હવામાન રહી શકે છે. હવામાન વિભાગના એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટના પુર્વાનુમાન અનુસાર 20 નવેમ્બરથી 26 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે.
આજે કેવું રહેશે રાજ્યનું હવામાન
હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યના તાપમાનમાં કોઇ ઉલટફેર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નીચું રહ્યું હતું. જેના કારણે આ વિસ્તારોમાં રાત્રે ઠંડક વર્તાઇ હતી. 17.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ રહ્યું હતું.
આગામી દિવસોમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન
હવામાન વિભાગના એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટ અનુસાર, 6થી 12 નવેમ્બર દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન ઉંચુ રહી શક છે. આ સમયગાળા દરમિયાન 30થી 38 ડિગ્રીની વચ્ચે રહેશે. એટલે કે 12 નવેમ્બર સુધી બપોરની ગરમીથી રાહત મળવાની શક્યતા નથી. 13થી19 નવેમ્બર દરમિયાન થોડીક રાહત મળી શકે છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 30થી 34 ડિગ્રીની વચ્ચે રહેવાનું અનુમાન છે. જોકે 20 નવેમ્બરથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. 20થી 26 નવેમ્બરના સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 28થી 32 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે. કેટલાક ભાગોમાં પારો 32થી 34 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. તેમજ 27થી 30 નવેમ્બર દરમિયાન પણ મહત્તમ તાપમાન 28થી 32 ડિગ્રી સુધી રહી શકે છે. આમ બપોરે જે ગરમી હાલ અનુભવાઇ રહી છે તેમાંથી આંશિક રાહત 20 નવેમ્બરથી મળી શકે છે.
રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળશે કે નહીં
6થી 12 નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન 16થી 24 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. કેટલાક ભાગોમાં 26 ડિગ્રી સુધી પણ નોંધાઇ શકે છે. એટલે કે કેટલાક ભાગોમાં રાત્રે ઠંડક અનુભવાશે. 13થી 19 નવેમ્બર દરમિયાન પણ આ જ પ્રકારનું તાપમાન રહી શકે છે. એટલે કે 19 નવેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ 20 નવેમ્બરથી તાપમાનમાં ફેરફાર નોંધાઇ શકે છે. 20થી 26 નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન થોડું ઘટી શકે છે. મોટાભાગના શહેરોમાં 14થી 22 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાશે. એટલે કે રાજ્યમાં અનેક શહેરોમાં રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઇ શકે છે. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નીચું જઇ શકે છે. જોકે મોટાભાગના શહેરોમાં પારો 13-14થી 22 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે.
ગુજરાતમાં માવઠાની શક્યતા છે કે નહીં
એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટમાં દર્શાવવામાં આવેલા પુર્વાનુમાન અનુસાર 5થી 19 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની કોઇ શક્યતા હાલ દેખાતી નથી. જોકે 20 નવેમ્બરથી રાજ્યના વાતાવરણમાં સામાન્ય પલટો આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 20થી 26 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી ઝાપટાં થઇ શકે છે. જોકે આ પુર્વાનુમાન હોય છે, માવઠું થશે કે નહીં તે હવામાનમાં થતા ફેરફાર પણ આધાર રાખે છે. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન આકાશ ચોખ્ખુ રહી શકે છે.
