Gujarat Live News Today, 5 November 2026: કચ્છના બન્ની વિસ્તારના હોડકો ખાતે યોજાયેલા પશુ મેળામાં દરરોજ 20 લિટર દૂધ આપતી 6 વર્ષની 'મિસરી' નામની બન્ની નસલની કુંઢી ભેંસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કિંમતી ભેંસને અમદાવાદના કુંજાડ ગામના પશુપાલક વેપારી લાલભાઈ દેસાઈએ નાના લુણા ગામના માલધારી જત ધુલા હાજી જીવણ પાસેથી 15 લાખ 11 હજાર રૂપિયાની માતબર રકમ ચૂકવીને ખરીદી છે. પશુપાલન ક્ષેત્રે આ સોદો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

બન્નીના હોડકો મેળામાં 'મિસરી' ભેંસ 15.11 લાખ રૂપિયામાં વેચાઈ
કચ્છના બન્ની વિસ્તારના હોડકો ખાતે યોજાયેલા પશુ મેળામાં દરરોજ 20 લિટર દૂધ આપતી 6 વર્ષની 'મિસરી' નામની બન્ની નસલની કુંઢી ભેંસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કિંમતી ભેંસને અમદાવાદના કુંજાડ ગામના પશુપાલક વેપારી લાલભાઈ દેસાઈએ નાના લુણા ગામના માલધારી જત ધુલા હાજી જીવણ પાસેથી 15 લાખ 11 હજાર રૂપિયાની માતબર રકમ ચૂકવીને ખરીદી છે. પશુપાલન ક્ષેત્રે આ સોદો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
રાજ્યની શાળા-કોલેજોમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ
રાજ્યની શાળા અને કોલેજોમાં અંદાજે 21 દિવસનું પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં આજથી ૨૫ નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ રજાઓ પૂર્ણ થયા બાદ 26 નવેમ્બરથી નવું બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે, જે 124 દિવસ ચાલીને 2 મે, 2027ના રોજ પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ હવે તહેવારોની રજાઓ માણી શકશે.
સાબર ડેરીની ચૂંટણીમાં ગરમાવો: 16માંથી 9 ડિરેક્ટર ગૂમ થતાં હોર્સ ટ્રેડિંગની ચર્ચા
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની અગ્રણી સંસ્થા સાબર ડેરીમાં 6 નવેમ્બરે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં 16માંથી 9 ડિરેક્ટરો ગૂમ થતાં હોર્સ ટ્રેડિંગની આશંકા સેવાઈ રહી છે. આ 9 ડિરેક્ટરોએ વિપુલ પટેલની તરફેણમાં એફિડેવિટ કરી હોવાની ચર્ચા વચ્ચે પ્રદેશ ભાજપે તાત્કાલિક તમામ ડિરેક્ટરો અને બંને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું મોકલાવ્યું છે જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે. જોકે, વિપુલ પટેલે કોઈ ડિરેક્ટર ગૂમ ન હોવાનો દાવો કરી સાંજે 6 વાગ્યે તમામને ગાંધીનગર બોલાવ્યા હોવાનું જણાવી પાર્ટીનો આદેશ માન્ય રાખવાની વાત કહી છે.
'તેરા તુજકો અર્પણ': આણંદ પોલીસ દ્વારા પીડિતોને કરોડોની મિલકત પરત
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત છેતરપિંડી અને વ્યાજખોરીના ભોગ બનેલા નાગરિકોને કરોડોની મિલકત પરત કરવામાં આવી હતી. આણંદ પોલીસની ત્વરિત કાર્યવાહીથી 26 લાખનો ફ્લેટ, 37 લાખથી વધુ રોકડ અને ચેક, 7 વીઘા જમીનના દસ્તાવેજો, 8 તોલા સોનું અને 400 ગ્રામ ચાંદી મૂળ માલિકોને સુપ્રત કરાયા હતા.