અંબાલાલ પટેલની આગાહીઃ અલનીનોની અસર વચ્ચે 3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં મેઘરાજાનો મુશળધાર રાઉન્ડ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસશે?

અત્યારે કેટલીક સિસ્ટમોના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જતાં ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. જો કે સપ્ટેમ્બર મહિનામાં અરબ સાગર સક્રિય થઈ શકે છે અને દરિયામાં ભારે પવન ફૂંકાવાથી ચોમાસું ફરીથી એક્ટિવ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 27 Aug 2026 07:09 PM (IST)Updated: Thu, 27 Aug 2026 07:09 PM (IST)
gujarat-weather-forecast-expert-ambalal-patel-prediction-heavy-rain-round-from-septement-3

Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં શ્રાવણ માસ અડધો વીતી ચૂક્યો છે, પરંતુ હજુ પણ અપેક્ષા પ્રમાણે વરસાદ નથી વરસ્યો. જુલાઈના અંતમાં પડેલા સાંબેલાધાર વરસાદ બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં માત્ર છૂટાછવાયા ઝાપટા નોંધાયા બાદ વરસાદે વિરામ લીધો છે.

ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હજુ સુધી સિઝનનો 50 ટકા વરસાદ પણ ના વરસતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો અને લોકો આકાશ તરફ મીટ માંડીને વરસાદની વાટ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. 

3 થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં મુશળધાર વરસાદનો રાઉન્ડ

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ કેટલીક સિસ્ટમોના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જાય છે, જેના પરિણામે અત્યારે ગુજરાતમાં ચોમાસાને બ્રેક લાગી છે. જો કે આવનારી 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

આ સપ્તાહ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં 3 ઈંચ કે તેથી વધુના હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ 4 ઈંચ જેટલો હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 3 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ રાઉન્ડમાં વરસાદનું અનુમાન છે.

પશ્ચિમ સૌરાષ્ટ્ર અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અલનીનોની અસરથી અરબ સાગરમાં હલચલ થાય અને બંગાળના ઉપસાગરનો ભેજ ત્યાં સુધી પહોંચે, તો સારો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં અરબ સાગર સક્રિય થઈ શકે છે. જેમાં 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાશે, જેના પરિણામે વરસાદનો રાઉન્ડ આવશે. જો કે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન પડતા વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું નથી ગણાતું, પરંતુ 13 સપ્ટેમ્બર પછી જે વરસાદ પડે તેનું પાણી સારું ગણાય છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 75.23 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદની વિગતો જોઈએ તો, ચોમાસાના આગમન બાદ 30 જૂનથી ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો હતો. જેમાં 223. 88 મી.મી એટલે કે 24.83 ટકા વરસાદ નોંધાયો હતો. જે બાદ જુલાઈના આખરી સપ્તાહમાં પોતાની સેકન્ડ ઈનિંગ્સમાં મેઘરાજાએ ગુજરાતના અનેક ભાગોને રીતસરના ઘમરોળી નાંખ્યા હતા. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.23 ટકા વરસાદ નોંધાયો છે.

ઝોન પ્રમાણે જોવા જઈએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સિઝનનો 103.36 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 74.91 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા, સૌરાષ્ટ્રમાં 56 ટકા તેમજ કચ્છમાં સૌથી ઓછો 29.29 ટકા જ વરસાદ વરસ્યો છે. રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે, જ્યાં 50 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે.