Gujarat University Exam Timetable: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોમાં આગામી પરીક્ષાઓના ટાઈમટેબલમાં મોટો અને મહત્વનો ફેરફાર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 22 ઓક્ટોબરથી શરુ થનારી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓની તારીખોમાં બદલાવ કર્યો છે. તેમજ 27 ઓક્ટોબરથી તમામ પરીક્ષાઓ શરુ કરવાનો નિર્ણય કર્યો છે.
દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
જ્યારે બીજી તરફ 18મી નવેમ્બરથી યોજનારી પરીક્ષાઓ દિવાળી વેકેશનના લીધે પાછી ઠેલાય તેવી શક્યતા છે. તેમજ ગુજરાત યુનિવર્સિટી આ પરીક્ષાઓનું આયોજન 25 નવેમ્બરે કરી શકે તેવું જાણવા મળી રહ્યું છે. આ પરીક્ષાઓમાં અંદાજે દોઢથી બે લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
27 ઓક્ટોબરે લેવાશે પરીક્ષા
યુનિવર્સિટીએ ફેરફાર કરેલા ટાઈમટેબલ પ્રમાણે, 27મી ઓક્ટોબરથી BPA, IMBA, ઇન્ટિગ્રેટેડ MCA અને MBA સપ્લાય ચેન મેનેજમેન્ટરના સેમેસ્ટર 1,3,5,7 અને 9ની પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાઓ 22મી ઓકટોબરે યોજાવવાની હતી. પરંતુ પરીક્ષા તંત્રની તૈયારીઓ અને ફોર્મ પ્રોસેસને લીધે તારીખો પાછી ઠેલવાઈ હતી.
તારીખ બદલાય તેવી શક્યતા
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 18 નવેમ્બરથી AIML, ડેટા સાયન્સ, ફાર્માસ્યુટિકલ, ઈન્ટિગ્રેટેડ એમએસસી માઈક્રોબાયોલોજી, ફૂડ સિક્યુરિટી, બીએ ડ્રામા ફાઈન આર્ટ્સ, એમબીએ, ઇન્ટિગ્રેટેડ બીપીએ-એમપીએ કોર્સના 3,5,7 અને 9ની પરીક્ષાઓનું આયોજન કરાયું છે. આ તમામ પરીક્ષાઓ નવેમ્બર માસમાં યોજાવવાની છે. પરંતુ દિવાળી વેકેશનના લીધે નિર્ધારિત તારીખે શરુ થવાના બદલે 25 નવેમ્બરે યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
