Gujarat SIR 2026: અમદાવાદ જિલ્લાની નવી ડ્રાફ્ટ મતદારયાદી આજે પ્રસિદ્ધ થશે, કુલ 14.52 લાખ મતદારોના નામ કમી કરાયા

જિલ્લાની ગત મતદારયાદીમાં કુલ 62.50 લાખ મતદારો નોંધાયેલા હતા. બીએલઓ (BLO) દ્વારા ઘરે-ઘરે જઈને કરાયેલી તપાસ બાદ સામે આવ્યું છે કે 14.52 લાખ મતદારો હવે યાદીમાં સામેલ રહેવા પાત્ર નથી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 19 Dec 2025 09:36 AM (IST)Updated: Fri, 19 Dec 2025 11:02 AM (IST)
gujarat-sir-2026-ahmedabad-electoral-roll-draft-voter-list-released-14-52-lakh-voters-omitted

Gujarat SIR 2026 Draft Voter List: અમદાવાદ શહેર અને જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર ચાલી રહેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) ની કામગીરી હવે અંતિમ તબક્કે પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા આજે 19 ડિસેમ્બરના રોજ નવી ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન અમદાવાદમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે, જેમાં લાખો મતદારોના નામ વિવિધ કારણોસર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

વિધાનસભા બેઠક મતદારોનો ઘટાડો વિધાનસભા બેઠક મતદારોનો ઘટાડો
વીરમગામ ૩૩,૮૩૨ બાપુનગર ૬૬,૫૧૫
સાણંદ ૩૫,૬૪૯ અમરાઈવાડી ૮૮,૦૩૦
ઘાટલોડિયા ૯૭,૦૯૯ દરિયાપુર ૫૨,૩૮૭
વેજલપુર ૧,૦૭,૭૧૬ જમાલપુર-ખાડિયા ૫૧,૩૬૯
વટવા ૧,૧૪,૮૨૪ મણીનગર ૭૩,૯૯૦
એલિસબ્રિજ ૭૨,૩૬૭ દાણીલીમડા ૬૯,૫૨૭
નારણપુરા ૭૪,૫૫૨ સાબરમતી ૭૯,૮૩૯
નિકોલ ૭૩,૩૩૮ અસારવા ૫૯,૭૧૭
નરોડા ૮૨,૪૨૦ દસ્કોઈ ૮૨,૫૭૯
ઠક્કરબાપાનગર ૬૯,૧૫૧ ધોળકા ૨૯,૯૫૬
ધંધુકા ૩૭,૯૬૨

મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો

જિલ્લાની ગત મતદારયાદીમાં કુલ 62.50 લાખ મતદારો નોંધાયેલા હતા. બીએલઓ (BLO) દ્વારા ઘરે-ઘરે જઈને કરાયેલી તપાસ બાદ સામે આવ્યું છે કે 14.52 લાખ મતદારો હવે યાદીમાં સામેલ રહેવા પાત્ર નથી. જેમના નામ કમી કરવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • સ્થળાંતર: સૌથી વધુ 8.63 લાખ મતદારો અન્ય સ્થળે રહેવા ગયા હોવાનું જણાયું છે.
  • મૃત્યુ: 2.53 લાખ મતદારોના અવસાન થવાથી નામ કમી કરાયા છે.
  • ગેરહાજર: તપાસ દરમિયાન 2.19 લાખ મતદારો પોતાના નોંધાયેલા સરનામે મળી આવ્યા નહોતા.
  • ડુપ્લિકેટ: 65 હજાર મતદારોના નામ બેવડાતા હોવાનું ધ્યાને આવ્યું છે.
  • અન્ય કારણો: 51 હજાર મતદારો વિવિધ ટેકનિકલ કારણોસર યાદીમાંથી બાકાત થયા છે.

ફોર્મ નહીં ભરનારાને નોટિસ અપાશે

જે મતદારોએ હજુ સુધી એન્યુમરેશન ફોર્મ ભર્યું નથી, તેમને તંત્ર દ્વારા તક આપવામાં આવશે. 19 ડિસેમ્બર પછી આવા મતદારોને વિધિવત નોટિસ ફટકારવામાં આવશે. નોટિસ મળ્યા બાદ સંબંધિત મતદારે જરૂરી વિગતો સાથે ફોર્મ ભરીને આપવાનું રહેશે, જેથી તેમનું મતાધિકાર સુરક્ષિત રહી શકે.

સુધારા-વધારાની તક

આજથી ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ, નાગરિકો પોતાની વિગતો ચકાસી શકશે. જો કોઈના સરનામામાં ભૂલ હોય અથવા નવા સુધારા કરવા હોય, તો નિયત પ્રક્રિયા મુજબ ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકાશે. આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને સંપૂર્ણપણે ક્ષતિરહિત અને પારદર્શક બનાવવાનો વહીવટી તંત્રનો મુખ્ય લક્ષ્યાંક છે.