Gujarat Shakti Cyclone Update: અરબી સમુદ્રમાં સર્જાયેલું અતિ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું “શક્તિ” પશ્ચિમ-મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર પર કેન્દ્રિત હતું. છેલ્લા 3 કલાક દરમિયાન તે સ્થિર રહ્યું હતું, આ વાવાઝોડું આગામી સમયમાં નબળુ પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જોકે આ વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં વરસાદી માહોલ રહી શકે છે. માછીમારોને 7 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
શક્તિ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી કેટલું દૂર
ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું "શક્તિ" છેલ્લા 3 કલાકથી એકજ જગ્યાએ સ્થિર રહ્યું છે. આજે, 5 ઓક્ટોબર, 2025ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે, તે 19.6 °N અક્ષાંશ અને 60.5°E રેખાંશ નજીક કેન્દ્રિત થયું હતું. આ સ્થળ મસીરાહ (ઓમાન) થી આશરે 210 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં, રાસ અલ હદ્દ (ઓમાન) થી 310 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, કરાચી (પાકિસ્તાન) થી 900 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં, જ્યારે ગુજરાતના દરિયાકાંઠે આવેલા દ્વારકાથી 940 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને નલિયાથી 960 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં દૂર હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર, "શક્તિ" વાવાઝોડું દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને 6 ઓક્ટોબરે સવારે ધીમે ધીમે નબળું પડીને સામાન્ય ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. ત્યારબાદ, તે પશ્ચિમ-મધ્ય અને તેની નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર પૂર્વ દિશામાં વાળીને આગળ વધશે અને 7 ઓક્ટોબર બપોર સુધીમાં વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
પવનની ચેતવણી
હાલમાં, ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં 100-110 કિલોમીટર પ્રતિ કલાકથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 6 ઓક્ટોબરની સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર પવનની ગતિ ધીમે ધીમે ઘટીને 80-90 કિલોમીટર પ્રતિ કલાકથી 100 કિલોમીટર પ્રતિ કલાક થશે. 6 ઓક્ટોબરની સાંજ સુધીમાં પવન વધુ ઘટીને 60-70 કિલોમીટર પ્રતિ કલાકથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.
6 ઓક્ટોબરની મધ્યરાત્રિથી પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર 50-60 કિલોમીટર પ્રતિ કલાકથી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે 7 ઓક્ટોબરની સવાર સુધીમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘટશે. આ ઉપરાંત, 6 ઓક્ટોબરની સવાર સુધી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર તથા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 35-45 કિલોમીટર પ્રતિ કલાકથી ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
દરિયાની સ્થિતિ
6 ઓક્ટોબરની સવાર સુધી ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં દરિયાની સ્થિતિ અત્યંત ઊંચીથી ઊંચી રહેવાની શક્યતા છે. ત્યારબાદ, 7 ઓક્ટોબર સુધી પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાની સ્થિતિ ખૂબ જ તોફાની બની શકે છે.
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર તથા કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 6 ઓક્ટોબરની સવાર સુધી દરિયાની સ્થિતિ ખૂબ જ તોફાની રહેવાનું અનુમાન છે.
માછીમારો માટે ચેતવણી
આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, 7 ઓક્ટોબર સુધી પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર તેમજ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને, ૬ ઓક્ટોબરની સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ દરિયાની સ્થિતિ અત્યંત પ્રતિકૂળ રહેવાની હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની અપીલ કરવામાં આવી છે.
