Exclusive: ગુજરાતના 16 દાનવીરોએ 2026 માં 1,424 કરોડ રૂપિયાનું દાન આપ્યું, જુઓ લિસ્ટ કોણે કેટલા આપ્યા

ગુજરાતના દાનવીરોના શહેરવાર યોગદાન પર નજર કરીએ તો અમદાવાદ સૌથી આગળ છે. રાજ્યના કુલ ₹1,424 કરોડના દાનમાંથી સૌથી મોટો હિસ્સો અમદાવાદના ઉદ્યોગપતિઓનો છે. અમદાવાદ: 8 દાનવીરોએ કુલ ₹1,334 કરોડનું દાન આપ્યું છે. સુરત: 5 દાનવીરોએ કુલ ₹63 કરોડનું દાન આપ્યું છે. વડોદરા: 2 દાનવીરોએ કુલ ₹19 કરોડનું દાન આપ્યું છે. રાજકોટ: 1 દાનવીર પરિવારે કુલ ₹8 કરોડનું દાન આપ્યું છે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Fri, 20 Nov 2026 03:52 PM (IST)Updated: Fri, 20 Nov 2026 03:52 PM (IST)
gujarat-philanthropists-in-the-edelgive-hurun-india-philanthropy-list-2026

EdelGive Hurun India Philanthropy List 2026, અમદાવાદ: વેપાર-ઉદ્યોગની સાથે સામાજિક કલ્યાણ અને દાન આપવાની સમૃદ્ધ પરંપરા માટે જાણીતું ગુજરાત એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2026 (EdelGive Hurun India Philanthropy List 2026) માં અગ્રેસર રહ્યું છે. 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 સુધીના નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાતના કુલ 16 ઉદ્યોગપતિઓ અને દાનવીર પરિવારોએ શિક્ષણ, આરોગ્ય, જળ સંરક્ષણ અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોમાં કુલ 1,424 કરોડ રૂપિયાનું ઉદાર દાન અર્પણ કર્યું છે. આ માતબર રકમ સમગ્ર દેશભરમાં નોંધાયેલા કુલ દાનના 12% જેટલો મોટો હિસ્સો ધરાવે છે.

ગૌતમ અદાણી સમગ્ર દેશમાં બીજા ક્રમે, સુધીર મહેતા અને કરશનભાઈ પટેલનો દબદબો

આ રાષ્ટ્રીય યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર અદાણી ફાઉન્ડેશન મારફતે 877 કરોડ રૂપિયાનું દાન આપીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ભારતભરમાં બીજા ક્રમે રહ્યા છે, જેમણે પોતાના દાનનો મોટો હિસ્સો શિક્ષણ ક્ષેત્રના ઉત્થાન માટે ફાળવ્યો છે. ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા અને સમીર મહેતા 334 કરોડ રૂપિયાના દાન સાથે યુએનએમ (UNM) ફાઉન્ડેશન મારફતે સામાજિક વિકાસ માટે યોગદાન આપીને દેશમાં 8મો રાષ્ટ્રીય રેન્ક ધરાવે છે. નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા 69 કરોડ રૂપિયા શિક્ષણ ક્ષેત્રે ફાળવીને કરશનભાઈ પટેલ અને પરિવાર દેશમાં 29મા સ્થાને રહ્યા છે. આ ઉપરાંત સુરતના કેપી ગ્રુપના ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ 30 કરોડ રૂપિયાના દાન સાથે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભાન આપીને 48મા ક્રમે રહ્યા છે.

અમદાવાદ બન્યું દાનવીરોનું મુખ્ય કેન્દ્ર

ગુજરાતની આ દાનવીરતામાં ઔદ્યોગિક પાટનગર અમદાવાદ સૌથી મોટો ફાળો આપીને મોખરે રહ્યું છે, જ્યાંના 8 દાનવીરોએ મળીને 1,334 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિઓમાં ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સના હસમુખ ચુડગર અને પરિવારે આરોગ્ય ક્ષેત્રે 18 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એઆઈએ એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ અને પરિવારે શિક્ષણ માટે 14 કરોડ રૂપિયા, ઝાયડસ લાઈફસાયન્સીસના પંકજ પટેલ અને પરિવારે જળ સંરક્ષણ અર્થે 8 કરોડ રૂપિયા, દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોનના દિનેશચંદ્ર અને જગદીશચંદ્ર અગ્રવાલ પરિવારે સામાજિક વિકાસ માટે 7 કરોડ રૂપિયા તેમજ એસ્ટ્રાલના સંદીપ એન્જિનિયરે શિક્ષણ ક્ષેત્રે 7 કરોડ રૂપિયાનું ફાળદાન કર્યું છે.

સુરત, વડોદરા અને રાજકોટના દાનવીરોની પ્રેરણાદાયી સફર

સુરત શહેરમાંથી કુલ 5 દાનવીરોએ સામાજિક કલ્યાણ માટે 63 કરોડ રૂપિયાનું યોગદાન નોંધાવ્યું છે. જેમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના ગોવિંદ ધોળકિયા અને પરિવારે આરોગ્ય ક્ષેત્રે 13 કરોડ રૂપિયા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના વશરામભાઈ ભુરાભાઈ નરોલા અને પરિવારે આરોગ્ય માટે 8 કરોડ રૂપિયા, કિરણ જેમ્સના બાબુ લાખાણી અને પરિવારે શિક્ષણ માટે 7 કરોડ રૂપિયા તથા કલરટેક્સ ઈન્ડસ્ટ્રીઝના જયંતિલાલ જરીવાલાએ શિક્ષણ ક્ષેત્રે 5 કરોડ રૂપિયાનું ફાળદાન આપ્યું છે.

સંસ્કારી નગરી વડોદરાના 2 ઉદ્યોગપતિઓએ 19 કરોડ રૂપિયાનું દાન આપીને હેલ્થકેર ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદ કરી છે. જેમાં દીપક નાઈટ્રાઈટના દીપક ચીમનલાલ મહેતાએ 11 કરોડ રૂપિયા અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના ચિરાયુ આર. અમીન અને પરિવારે 8 કરોડ રૂપિયા આરોગ્ય સેવાઓ માટે ફાળવ્યા છે. સૌરાષ્ટ્રના આર્થિક કેન્દ્ર રાજકોટમાંથી બાલાજી વેફર્સના ભીખાભાઈ, ચંદુભાઈ અને કાનજીભાઈ વીરાણી પરિવારે 8 કરોડ રૂપિયાનું ફંડ શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે અર્પણ કર્યું છે.

આમ, શિક્ષણ, હેલ્થકેર, સામાજિક વિકાસ અને પર્યાવરણીય જળ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ગુજરાતના આ 16 ઉદ્યોગ સાહસિકોએ આર્થિક સમૃદ્ધિની સાથે સામાજિક જવાબદારીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

naidunia_image