વકીલો બાદ હવે નોટરીઓ પણ લડતના મૂડમાં: સત્તાઓ આંચકી લેવાતાં સરકારને આપ્યું 5 દિવસનું અલ્ટીમેટમ

સોગંધનામાની સત્તા તલાટી અને મામલતદારને અપાતાં તેમજ સ્ટેમ્પ ટિકિટની હાલાકી મામલે નોટરીઓએ 5 દિવસનું આંદોલનનું અલ્ટીમેટમ આપ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 11 Oct 2026 09:01 AM (IST)Updated: Sun, 11 Oct 2026 09:01 AM (IST)
gujarat-notary-protest-lawyer-agitation-government-ultimatum-mamlatdar-talati-powers
AI Image

Gujarat Notary Protest: ગુજરાતમાં ભાડા વિધેયક કાયદાની સામે વકીલોનો વિવાદ હજુ સુધી થાળે પડ્યો નથી. ત્યારે હવે રાજ્યભરના નોટરીઓ પણ સરકાર સામે લડતના મૂડમાં આવી ગયા છે. નોટરીઓ પાસેથી સોગંધનામા કરવાની વિશેષ સત્તાઓ છીનવીને મામલતદાર અને તલાટીને સોંપી દેવા અને નોટરી ટિકીટો મેળવવામાં વર્ષોથી પડતી ભારે હાલાકી મામલે હવે નોટરીઓ આકરા પાણીએ થયા છે.

નોટરીઓની યોજાઈ મહત્વની બેઠક

અમદાવાદમાં ન્યુ નોટરી ચેરિટેબલ એસોસિયેશનની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં સરકારને અલ્ટીમેટમ આપતા ચેતવણી આપવામાં આવી છે કે, જો આગામી પાંચ દિવસમાં નોટરીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો રાજ્યના તમામ વકીલ મંડળો અને નોટરીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન છેડશે.

સ્ટેમપ માટે હાઇકોર્ટ સુધીના ધક્કા

નોટરીઓ દ્વારા નાગરિકોની અનેક કાનૂની સેવાઓ અને દસ્તાવેજી સેવાઓ અપાતી હોય છે. જેમાં આવકના દાખલા અંગેના સોગંદનામા, ભાડા કરાર તેમજ અન્ય કાનૂની સંમતિપત્રો અને કરારો, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સંબંધિત એફિડેવિટ, વિદ્યાર્થીઓના વિવિધ એફિડેવિટ જેવી સેવાઓ સમાવિષ્ટ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા નોટરીઓ પાસેથી સત્તા અને કામગીરી આચકીને લેવાઈ છે. આ તમામ સોગંધનામાની સત્તા તલાટી કમ મંત્રી અને તાલુકા મામલતદારને સોંપી દેવાઈ છે.

નોટરીઓની રોજગારી પર અસર

મેરેજ રજિસ્ટ્રેશન એફિડેવિટની સત્તા પણ નોટિફિકેશન જારી કર્યા વિના જ બંધ કરી દવાતાં હવે પક્ષકારોએ સીધા મેજિસ્ટ્રેટ સમક્ષ જવું પડે છે સરકારના આ નિર્ણથી નોટરીઓ પાસે કોઈ કામ રહ્યું નથી. તેમજ જિલ્લા અને તાલુકા લેવલના નોટરીઓના રોજગાર પર ગંભીર અસર પડી છે. તેમજ કોઇપણ લીગલ નોટરાઇઝ્ડ દસ્તાવેજ પર 50 રુપિયાની સ્ટેમ્પ લગાવવી અનિવાર્ય છે.

નોટરીઓએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

ઘી કાંટા ફોજદારી કોર્ટ અને ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ સહિતના કોર્ટો શહેરી વિસ્તારમાં સ્થિત હોવા છતા, આ સ્ટેમ્પ ટિકિટના વિતરણની કોઇ વ્યવસ્થા નથી. સ્ટેમ્પ ટિકિટ મેળવવા માટે વકીલો એને નોટરીઓએ ગુજરાત હાઈકોર્ટ સુધી આવવું પડે છે. જોકે, હાઇકોર્ટમાંથી પણ મર્યાદિત સંખ્યામાં ટિકિટ મળતી હોવાથી વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી નોટરીઓ પણ સરકાર સામે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે .