Gujarat News Today Live 15 October, 2026 : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે તેમની અધ્યક્ષતામાં 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત' કાર્યક્રમ યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાના 259, મોરબી જિલ્લાના 53, સુરેન્દ્રનગર જિલ્લાના 1 અને કચ્છ જિલ્લાના 6 અરજદારોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવશે.

ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 'મે. બહુચર ડેરી પ્રોડક્ટ્સ' પર દરોડા પાડીને પરવાના વિના ગેરકાયદેસર રીતે ઉત્પાદન થતા રૂ. 28,600ની કિંમતના 44 કિલો શંકાસ્પદ લૂઝ ઘીનો જથ્થો જપ્ત કરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે રૂ. 19,500ની કિંમતના 30 લિટર એક્સપાયરી ડેટવાળા 'કવિરાજ બ્રાન્ડ ઘી'નો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તપાસમાં ખૂલ્યું હતું કે પેઢીના માલિક સાગરકુમાર ચોખાવાલા પ્લોટ નં. 23 નું લાયસન્સ ધરાવતા હોવા છતાં પ્લોટ નં. 30 પર ગેરકાયદેસર વ્યવસાય કરતા હતા. અગાઉ 7 ઓક્ટોબર 2025 અને 15 એપ્રિલ 2026 ના રોજ પણ આ જ પેઢીમાંથી જપ્ત કરાયેલ લાખો રૂપિયાનું ઘી સબસ્ટાન્ડર્ડ સાબિત થયું હતું, ત્યારે હવે નવા લેવાયેલા નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં જપ્ત થયેલો સામાન છોડાવવાનો ચાર્જ વધ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીએ 23 વર્ષ જૂના દરોમાં ચારથી પાંચ ગણો વધારો કરી રસ્તા પરથી જપ્ત કરાયેલી લારીઓ, વાહનો, શેરડીના સંચા અને અન્ય નડતરરૂપ સામાનને છોડાવવા માટેનો વહીવટી ચાર્જ હવે રૂ. 3000 સુધી કરી દીધો છે. આ ઉપરાંત સામાન જેટલા દિવસ ગોડાઉનમાં રહેશે તેના માટે અલગથી રૂ. 1500 સુધીનો સ્ટોરેજ ચાર્જ પણ વસૂલવામાં આવશે.
અમદાવાદમાં રહેણાંક વિસ્તારના 20 RMC પ્લાન્ટ બંધ કરાશે
અમદાવાદમાં લાંબા સમયથી અટવાયેલી રેડી મિક્સ કોન્ક્રીટ (RMC) પ્લાન્ટની પોલિસીને પણ આખરે મંજૂરી મળી છે. આ નવી પોલિસી મુજબ પ્લાન્ટ શરૂ કરતા પહેલા જીપીસીબી (GPCB) પાસેથી એનઓસી અને સ્ટ્રક્ચર સર્ટિફિકેટ જેવી મંજૂરીઓ લેવી ફરજિયાત બનાવાઈ છે અને શહેરમાં રહેણાંક વિસ્તારોની વચ્ચે ચાલતા આશરે 20 જેટલા RMC પ્લાન્ટને એક મહિનામાં બંધ કરી અન્યત્ર ખસેડવાની તાકીદ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના નવા નાણાકીય વર્ષનું બજેટ ઘડવાની પ્રક્રિયા શરૂ
ગાંધીનગર ખાતે રાજ્યના નાણાંવિભાગે આગામી નાણાકીય વર્ષ 2027-28નું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેના ભાગરૂપે નાણાં વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે બજેટની પ્રાથમિક સમજ આપતો પહેલો વર્કશોપ યોજાઈ ચૂક્યો છે અને ચર્ચા-બેઠકો શરૂ થઈ ગઈ છે. નાણાં વિભાગે રાજ્યના તમામ 26 વિભાગોના વડાઓ પાસેથી નવા બજેટમાં ચાલુ રહેનારી અને સૂચિત નવી બાબતો અંગેની વિસ્તૃત માહિતી નિયત પરફોર્મામાં માંગી છે. આ ઉપરાંત, નવી જગ્યાઓ મંજૂર કરવા માટે રિસ્ટ્રક્ચરિંગ રિપોર્ટ, આઉટસોર્સ કે કરાર આધારિત ભરતી, નવા વાહનો, આઈટી સાધનો કે મશીનરીની ખરીદી તેમજ અગાઉના વર્ષે ૨૦ ટકા કરતાં ઓછો ખર્ચ થયો હોય તેવી ચાલુ યોજનાઓના વાજબીપણા અંગે પણ નાણાંવિભાગ દ્વારા તમામ વિભાગો પાસેથી ફરજિયાત રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વસેલા 300થી વધુ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે તેમની અધ્યક્ષતામાં 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત' કાર્યક્રમ યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાના 259, મોરબી જિલ્લાના 53, સુરેન્દ્રનગર જિલ્લાના 1 અને કચ્છ જિલ્લાના 6 અરજદારોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવશે.