ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામોમાં થશે નવરાત્રીની ભવ્ય ઉજવણી, સરકારે રૂપિયા 2.90 કરોડ મંજૂર કર્યા

ગુજરાતના અંબાજી, બહુચરાજી, ઉનાઈ, મોઢેરા અને ઊંઝા ખાતે 9 દિવસ સુધી નવરાત્રિ મહોત્સવ ઊજવાશે. સરકાર દ્વારા રૂપિયા 2.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 09 Oct 2026 05:13 PM (IST)Updated: Fri, 09 Oct 2026 05:13 PM (IST)
gujarat-navratri-2026-rs-290-cr-approved-for-grand-celebrations
(AI Image)

Navratri 2026: રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં આ વર્ષે નવરાત્રિ શક્તિ પર્વની અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવશે. રાજ્યના પ્રસિદ્ધ પાંચ દેવસ્થાનો પર નવરાત્રીના સમગ્ર 9 દિવસ દરમિયાન ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે કુલ રૂ. 2.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

શ્રદ્ધાળુઓની આસ્થાને માન આપી લેવાયો મોટો નિર્ણય

હાલ અમલમાં રહેલા સરકારી ઠરાવ મુજબ માત્ર 1 દિવસીય નવરાત્રી કાર્યક્રમ યોજવાની જ જોગવાઈ હતી. પરંતુ રાજ્યભરના શ્રદ્ધાળુઓની આસ્થા, લાગણી અને ભારે માંગને ધ્યાનમાં રાખીને, સમગ્ર 9 દિવસ દરમિયાન ભવ્ય ગરબા કાર્યક્રમો યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.

કયા 5 યાત્રાધામોમાં થશે ભવ્ય આયોજન?

આ નવ દિવસીય ભવ્ય મહોત્સવ અંતર્ગત રાજ્યના પસંદગીના પાંચ પવિત્ર ધામોમાં આનુષાંગિક અને કલાકાર ખર્ચ સહિતનું આયોજન કરાશે. જેમાં

  • શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (અંબાજી)
  • ઉનાઈ માતાજી મંદિર (વાંસદા)
  • શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર (મોઢેરા)
  • શ્રી બહુચરાજી માતાજી મંદિર (મહેસાણા)
  • શ્રી ઉમિયા માતાજી મંદિર (ઊંઝા)

માઈભક્તોને મળશે ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત લહાવો

સરકારના આ સુંદર આયોજનના કારણે સ્થાનિક નાગરિકો તેમજ રાજ્યભરમાંથી દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો દિવ્ય અને ભક્તિમય વાતાવરણનો અનુભવ કરી શકશે. આ સાથે જ તેઓ ગુજરાતના જાણીતા લોકકલાકારોની કલા અને સંસ્કૃતિને પણ માણી શકશે અને પરંપરાગત ગરબાના તાલે ઝૂમી શકશે.