ગુજરાત ચૂંટણી પરિણામ 2026: કલાકારો અને IPS અધિકારીઓની લિટમસ ટેસ્ટ, કંઈ સેલિબ્રિટીઝને જનતાએ સ્વીકાર્યા?- જાણો VVIP બેઠકોના પરિણામો

વડોદરામાં ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને ટિકિટ આપતાં નારાજ નયનાબેને પક્ષ સામે બળવો પોકારીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યાં અંકિતા પરમારની જીત થઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 05:03 PM (IST)Updated: Tue, 28 Apr 2026 05:50 PM (IST)
gujarat-local-body-polls-results-2026-big-wins-and-shocking-defeats-of-vip-candidates
HIGHLIGHTS
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાની કારમી હાર
  • મહેસાણામાં ભાજપ કાર્યાલયના પટ્ટાવાળા તેમજ બેચરાજીમાં બંગડી વેચનારા બહેન જીત્યા

Gujarat Local Body Polls Results 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો એક પછી એક જાહેર થઈ રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ અનેક જાણીતા ચહેરાઓ પર દાવ ખેલ્યો હતો. જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, IPS અધિકારીઓ અને લોકગાયિકા, અભિનેત્રી અને આર.જે.ને ટિકિટ આપવામાં આવી હતી. જેના કારણે આવી VVIP બેઠકોના પરિણામો પર સૌ કોઈની નજર હતી. તો ચાલો તેના પરિણામો પર નજર નાંખીએ…

સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારઃ વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની શાનદાર જીત થઈ છે. આ બેઠક માટે ઉમેદવારની પસંદગી સમયે ભારે રસાકસી જોવા મળી હતી.

ભાજપે અંકિતા પરમાર પર પસંદગી ઉતારતા જ ટિકિટની રેસમાં રહેલા નયનાબેન પરમાર નારાજ થયા હતા. નારાજગી એટલી હદે વધી હતી કે, નયનાબેને પક્ષ સામે બળવો પોકારીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જેની જાહેરાત તેમના પતિએ સોશિયલ મીડિયા પર કરી હતી. જોકે, ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું છે કે મતદારોએ ભાજપના સત્તાવાર ઉમેદવાર અંકિતા પરમાર પર જ મહોર લગાવી છે.

naidunia_image

અંકિતા પરમાર માત્ર સોશિયલ મીડિયા સ્ટાર જ નથી, પરંતુ તેઓ રાજકારણમાં પણ લાંબો અનુભવ ધરાવે છે. તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને અગાઉ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની આ સંગઠન શક્તિ અને લોકપ્રિયતાએ તેમને પોર બેઠક પર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

naidunia_image

લોકગાયિકા રાજલ બારોટઃ જાણીતી ગુજરાતી લોકગાયિકા રાજલ બારોટને ભાજપ દ્વારા ઉના નગરપાલિકા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. જ્યાં રાજલ બારોટે 2313 મત સાથે જીત મેળવી છે.

naidunia_image

અભિનેત્રી નેહા સુથારઃ વિજાપુર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ ગણાતી કુડેદા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જાણીતા મોડેલ-સિંગર નેહા સુથારનો ભવ્ય વિજય થયો છે. એક કલાકાર તરીકેની તેમની છબી યુવા મતદારોને આકર્ષવામાં સફળ રહી છે. પ્રચાર દરમિયાન પણ નેહા સુથારની એક ઝલક મેળવવા માટે લોકોની ભીડ ઉમટી પડતી હતી. આજે મતગણતરીના અંતે જનતાએ તેમના પર વિશ્વાસની મહોર લગાવીને વિજેતા બનાવ્યા છે.

પટ્ટાવાળા રમેશભાઈ ભીલઃ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા અને નેતાઓને ચા પીરસતા રમેશભાઈ ભીલ હવે નગરસેવક બની ચૂક્યા છે. વોર્ડ નંબર 13 માંથી ભાજપની આખી પેનલ વિજયી બની છે, પરંતુ રમેશભાઈની જીત સૌથી વધુ ચર્ચાસ્પદ અને પ્રેરણાદાયી સાબિત થઈ છે. રમેશભાઈ ભીલે 4,000 થી વધુ મતોના તોતિંગ માર્જિનથી જીત હાંસલ કરી છે.

કાવ્યા કથીરિયાઃ સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3 (વરાછા, સરથાણા,સીમાડા, લસકાણા), જે પાટીદારોનો ગઢ ગણાય છે, ત્યાં ભાજપની આખી પેનલ ચૂંટાઈ આવી છે. જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાનો પણ વિજય થયો છે.

naidunia_image

રાજુ કરપડાઃ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી 2 બેઠક પર ભાજપ ઉમેદવાર રાજુ કરપડાએ 2533 મતે વિજયી થયા છે. અગાઉ રાજુ કરપડા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર હતા. જો કે ચૂંટણીની જાહેરાત થતાં રાજુ કરપડા ભાજપમાં ભળી ગયા હતા અને ભાજપે તેમને ટિકિટ આપી દીધી હતી.

સંશીબેન કાંગશિયાઃ મહેસાણા જિલ્લાની બેચરાજી નગરપાલિકામાં ભાજપ દ્વારા બહુચરાજી મંદિર રોડ પર ફૂટપાથ પર બેસીને બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયાને ટિકિટ આપવામાં આવી હતી. બેચરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં સંશીબેન કાંગશિયા જીતી ચૂક્યા છે.

ક્યા-ક્યા દિગ્ગજોની ભૂંડી હાર થઈ

naidunia_image

મનોજ સોરઠિયાઃ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ની બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ મહામંત્રી અને દિગ્ગજ નેતા મનોજ સોરઠિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. મનોજ સોરઠિયા સંગઠનમાં ખૂબ જ સક્રિય હોવાથી તેમની જીત થશે તેમ લાગ્યું હતુ, પરંતુ મનોજ સોરઠિયા હારી ગયા છે.

naidunia_image

પાયલ સાકરિયાઃ સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 16માં પણ ભાજપની આખી પેનલ વિજયી થઈ છે. આ બેઠક પર સુરત મનપાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયાને હારનો સામનો કરવો પડ્યો છે.

naidunia_image

નયનાબા જાડેજાઃ ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બહેન અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રીવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજાને કોંગ્રેસે રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપી હતી. જો કે આજે જાહેર થયેલા પરિણામમાં તેમનો પરાજય થયો છે.

RJ આભા દેસાઈઃ રાજકોટ મનપાના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે જાણીતી RJ આભા દેસાઈને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે આજે પરિણામો જાહેર થતાં આભા દેસાઈને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

માત્ર આપ-કોંગ્રેસ નહીં ભાજપના પણ મોટા માથા હાર્યા

સોનલ ડેરઃ જાણીતા ગુજરાતી લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલ ડેરને ભાજપ દ્વારા લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર ટિકિટ આપવામાં આવી હતી. જો કે સોનલ ડેરનો કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેર સામે હારી ગયા છે.

IPL મનોજ નિનામાઃ નિવૃતિના બે મહિના પહેલા જ રાજીનામું આપીને IPS અધિકારી મનોજ નિનામા ભાજપમાં ભળી ગયા હતા. ભાજપ દ્વારા મનોજ નિનામાને ઓઢ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે મનોજ નિનામા 2700 મતે હારી ચૂક્યા છે.

naidunia_image

ભૂપત ભાયાણીઃ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં ભળેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની પણ ભૂંડી હાર થઈ છે. ભાજપ દ્વારા ભૂપત ભાયાણીને ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર ટિકિટ આપવામાં આવી હતી. જો કે AAPના દિનેશ રુપાલિયા સામે તેમનો 1700 મતે પરાજય થયો છે.