Gujarat Local Elections Result: ગુજરાતમાં વિધાનસભાની સેમીફાઈનલ મનાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત એક પછી એક બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. જેમાં ભાજપનો ગઢ ગણાતી ભુજ નગરપાલિકાના અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને મોટી સફળતા મળી છે.
આ પરિણામ એટલા માટે પણ અગત્યના માનવામાં આવી રહ્યા છે, કારણ કે AIMIMની કચ્છ જિલ્લામાં આ પ્રથમ વખતે સત્તાવાર એન્ટ્રી છે. ભુજ નગર પાલિકાના વોર્ડ નંબર 1માં AIMIMના ત્રણ ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા થયા છે.
જેમાં સરફરાઝ 3705, મુખ્તાર 3581 અને રોશનને 3370 મતથી વિજયી થયા છે.. આ સિવાય એક બેઠક કોંગ્રેસ ઉમેદવારના ફાળે ગઈ છે. આ જીત સાથે જ AIMIMએ કચ્છની રાજનીતિમાં મજબૂતીથી ઉભરી આવી રહી છે. આ સિવાય ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં પણ AIMIM પાર્ટીના 4 ઉમેદવારો જીતી ચૂક્યા છે.
આ સિવાય પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાં પણ AIMIMના ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે. આ સાથે જ સિદ્ધપુર પંથકમાં પ્રથમ વાર AIMIMનું ખાતું ખુલ્યું છે. આ ઉપરાંત મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 8માં પણ 3 સીટો પર AIMIMના ઉમેદવારોએ કબજો જમાવ્યો છે.
ભરુચ વોર્ડ નંબર 10માં પણ AIMIMના 4 ઉમેદવારોની જીત થઈ ચૂકી છે.
જામનગરની સિક્કા નગરપાલિકામાં પણ AIMIM પાર્ટીની 3 બેઠકો પર જીત
આમ અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્યના પરિણામમાં 11 ઉમેદવારો જીતી ચૂક્યા છે.
ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં ઓવૈસીની પાર્ટીનો પગપેસારો સ્પષ્ટ સંકેત આપે છે કે, લઘુમતી વિસ્તારોમાં મતદારોએ પારંપારિક પાર્ટીઓઓની જગ્યાએ અન્ય વિકલ્પો પર પસંદગીનો કળશ ઢોળી રહી છે. જે આવનારી વિધાનસભા ચૂંટણી રસપ્રદ બનશે તે સ્પષ્ટ છે.
