LIVE BLOG

Gujarat Live News Today: ઓનલાઈન ડ્રગ્સ નેટવર્ક સામે ગુજરાતનું એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સજ્જ, સોશિયલ મીડિયા અને કોડવર્ડ્સ પર રખાશે સખત નજર

Gujarat Live News Today, 17 November 2026: ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 17 Nov 2026 07:41 AM (IST)Updated: Tue 17 Nov 2026 11:46 AM (IST)
gujarat-live-news-today-17-november-2026-politics-crime-and-city-updates-lb
17 Nov 2026, 11:46 AM

વડોદરા: પ્રતાપનગર બ્રિજ પાસે જૂની અદાવતમાં હુમલો

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ગત રાત્રે જૂના ઝઘડાની અદાવત રાખી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તલવાર, લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે થયેલા આ હુમલામાં બંને પક્ષના યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

17 Nov 2026, 08:09 AM

ઓનલાઈન ડ્રગ્સ નેટવર્ક સામે ગુજરાતનું એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સજ્જ

રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને ડામવા માટે CID ક્રાઈમ હેઠળ કાર્યરત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ(ANT) દ્વારા 8 નવા યુનિટ તૈયાર કરીને ઓનલાઈન ડ્રગ્સ માફિયાઓ પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવેથી ડાર્ક વેબ તેમજ વોટ્સએપ, ટેલિગ્રામ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ડ્રગ્સની ડીલ અને કોડવર્ડ પર ઇથિકલ હેકર્સ અને ડાર્કવેબ એક્સપર્ટ્સની મદદથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, ડ્રગ્સના સોદા માટે ક્રિપ્ટોકરન્સીથી થતા પેમેન્ટનું ટ્રેસિંગ, જપ્ત કરાયેલા ઉપકરણોમાંથી ડિલીટ કરેલા ડેટાની રિકવરી અને એન્ક્રિપ્ટેડ એપ્સની નબળાઈઓ શોધી અસલી IP એડ્રેસ દ્વારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટેનો ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

17 Nov 2026, 07:46 AM

સાયલા અને થાનમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ

સાયલા અને થાન પંથકના ચિત્રાલાખ અને રાવરાણી ગામની સીમમાં લીંબડી DYSP અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને મોટા પાયે ચાલી રહેલા કાર્બોસેલના ગેરકાયદે ખનનનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ દરોડા દરમિયાન કુલ 30 જેટલા કૂવાઓમાંથી ખનન થતું હોવાનું સામે આવ્યું હતું, જેમાં તંત્રએ 30 લોખંડની પાઈપો, 100 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો, ચિત્રાલાખની સીમમાંથી 16 ટ્રેક્ટર તેમજ બ્લાસ્ટિંગ માટે વપરાતી 131 જિલેટીન સ્ટીક અને 39 ડિટોનેટર સહિત કુલ રૂ. 60 લાખનો માતબર મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, આટલા મોટા પાયે ગેરકાયદે ખનન ચાલતું હોવા છતાં સ્થળ પરથી એકપણ આરોપી કે ભૂમાફિયા પોલીસના હાથ ન લાગતા આશ્ચર્ય સર્જાયું છે અને આ સમગ્ર નેટવર્ક પાછળ કોનો હાથ છે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.