Gujarat News Today Live 20 October, 2026 : ખાણ અને ખનિજ વિભાગની ટીમે ભુજ તાલુકાના મમુઆરા વિસ્તારમાં ચાઇનાકલે અને સિલિકા સેન્ડ ખનિજના ગેરકાયદેસર વહન સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ સાત ડમ્પર મોમાઈ ચાઈના કલેના સ્ટોક વિસ્તાર ખાતે જપ્ત કરીને મોમાઈ ચાઈના કલેની કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યાં છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 2 કરોડ જેટલી છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ભુજ દ્વારા આ પ્રકરણમાં કાયદાકીય નિયમોનુસાર આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કચ્છમાં ખાણ અને ખનિજ વિભાગની કાર્યવાહી, 2 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાણ અને ખનિજ વિભાગની ટીમે ભુજ તાલુકાના મમુઆરા વિસ્તારમાં ચાઇનાકલે અને સિલિકા સેન્ડ ખનિજના ગેરકાયદેસર વહન સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ સાત ડમ્પર મોમાઈ ચાઈના કલેના સ્ટોક વિસ્તાર ખાતે જપ્ત કરીને મોમાઈ ચાઈના કલેની કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યાં છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 2 કરોડ જેટલી છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ભુજ દ્વારા આ પ્રકરણમાં કાયદાકીય નિયમોનુસાર આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વિજયાદશમીનું આ પર્વ અસુરી શકિત પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગ પર્વ છે તેમ તેમણે વિજયા દશમી પર્વ ની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું છે. દશેરાનું આ પર્વ અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મ ના વિજયનું પર્વ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ આ ઉત્સવને મનુષ્યની ભીતર રહેલા આંતરિક શત્રુઓ અને નકારાત્મકતા પરનો વિજયોત્સવ ગણાવ્યો છે.
ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હ્યુમન મિલ્ક બેંક શરૂ
માતાનું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન છે પરંતુ સમય પહેલાં જન્મેલાં, ઓછા વજનવાળાં કે વિશેષ તબીબી સંભાળ હેઠળ રહેલાં કેટલાંક શિશુઓને સંજોગોવશાત્ માતાનું દૂધ મળી શકતું નથી. આવા શિશુઓને સુરક્ષિત માનવ દૂધ ઉપલબ્ધ કરાવી તેમના સ્વાસ્થ્યનું જતન કરવાના ઉમદા હેતુથી ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી Comprehensive Lactation Management Centre (CLMC) એટલે કે જીવન અમૃત હ્યુમન મિલ્ક બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં 65 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજોનો નાશ કરાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ વિભાગે આણંદના સામરખા ગામના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા ગ્રીડ ચોકડીની આસપાસ આવેલી ખાદ્યપદાર્થોના વેચાણ સાથે સંકળાયેલી કુલ 18 પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બિનઆરોગ્યપ્રદ જણાયેલી કઢી, જલેબી સહિતની ખાદ્યચીજોનો કુલ 65 કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. વિવિધ પેઢીઓમાંથી 14 ખાદ્ય નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલ પ્રાપ્ત થયા બાદ અહેવાલ મુજબ નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વાવમાં પાણીના ઉપયોગ અંગેના નિવેદન બાબતે રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરની સ્પષ્ટતા
ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે, વાવ ખાતે એક કાર્યક્રમ દરમિયાન યોજાયેલી સભામાં રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને મારા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનમાં અમારો મુખ્ય આશય એ હતો કે, ચાલુ વર્ષ સમગ્ર રાજ્ય માટે અલ-નિનોની અસર ધરાવતું વર્ષ હોવાથી સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની પૂરી સંભાવના છે.
તેમણે સ્પષ્ટતા કરી છે કે, ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ જ નિયત કરેલું સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, મારી આ રજૂઆત કે નિવેદનને નકારાત્મક રીતે લેવાને બદલે, આગામી સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે અત્યારથી જ સકારાત્મક પગલાં લેવા હું જનસામાન્ય તથા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરું છું.