LIVE BLOG

Gujarat News Today Live: તહેવારો ટાણે જ ખાંડ મોંઘી બની: શેરડીનું ઉત્પાદન ઘટતા છૂટક બજારમાં ભાવ રૂ. 80 સુધી પહોંચ્યો

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 16 Oct 2026 07:14 AM (IST)Updated: Fri, 16 Oct 2026 07:50 AM (IST)
gujarat-live-news-16-oct-2026-latest-updates-on-state-politics-sports-and-more-lb
16 Oct 2026, 07:48 AM

તહેવારો ટાણે જ ખાંડ મોંઘી

તહેવારોની સિઝન શરૂ થતાં જ માત્ર છ દિવસમાં ખાંડના ભાવમાં 17 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે, જેના પરિણામે અમદાવાદના હોલસેલ બજારમાં ખાંડનો ભાવ રૂ. 55થી 60 અને છૂટક બજારમાં રૂ. 75થી 80 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ તથા યુપી અને એમપીમાં ખરાબ હવામાનને લીધે શેરડીના વાવેતરમાં મોડું થતાં તેના ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો થયો છે, તેમજ સરકારે તહેવારો દરમિયાન જરૂરી સ્ટોક બજારમાં છૂટો ન કરતા સપ્લાય સામે ડિમાન્ડ વધી છે. દિવાળી નજીક આવતા મીઠાઈ, ચોકલેટ અને બેકરીની વસ્તુઓની માંગ વધવાની હોવાથી, ખાંડના આ ભાવવધારાને કારણે ઉત્પાદકોના ખર્ચમાં વધારો થશે અને સામાન્ય ગ્રાહકોનું બજેટ ખોરવાવાની પૂરેપૂરી શક્યતા છે.  

16 Oct 2026, 07:47 AM

બોટાદમાં મેડિકલ કોલેજ અને આધુનિક સરકારી હોસ્પિટલને મંજૂરી

રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લામાં સ્વનિર્ભર મેડિકલ કોલેજ અને આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નવી હોસ્પિટલ બનવાથી બોટાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગંભીર બીમારીની સારવાર માટે અન્ય મોટા શહેરોમાં ધક્કા ખાવા નહીં પડે અને ઘરઆંગણે જ વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત સારવાર મળશે. 

16 Oct 2026, 07:38 AM

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 35 ખેડૂતોને 100 કરોડની જમીન પરત

રાજકોટના શાપર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા વિભાગીય પોલીસ અધિકારીની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ ભૂમાફિયાઓ અને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવાયેલી 35 ખેડૂતોની અંદાજે રૂ. 100 કરોડની કિંમતની 500 વિઘાથી વધુ જમીનના 55 દસ્તાવેજો મૂળ માલિકોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક કામગીરી અને શ્રેષ્ઠ વહીવટ બદલ રાજકોટ ગ્રામ્ય પોલીસ તેના તમામ પોલીસ સ્ટેશનો માટે 'ISO 9001:2015' પ્રમાણપત્ર મેળવનાર ગુજરાતનો પ્રથમ જિલ્લો બન્યો છે. આ પ્રસંગે આત્મહત્યા અટકાવવા માટેની પોલીસની વિશેષ પહેલ ‘પ્રેરણા- નવા જીવનની’ ના અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું અને સરકારે વ્યાજખોરો સામે આરપારની લડાઈનો સંકલ્પ દોહરાવી ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરી હતી.