Gujarat News Today Live 10 August, 2026 : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તાલુકાના હસ્તકની પાણી પુરવઠા યોજના નર્મદા પાઈપલાઈન આધારિત હોય જેનું મુખ્ય પમ્પીંગ સ્ટેશન સુરેન્દ્રનગર ઢાંકી ખાતે આવેલ છે. જે પમ્પિંગ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ મારફત પાણી લેવામાં આવે છે. તે બ્રાન્ચ કેનાલમાં વિરમગામ પાસે ભંગાણ થયેલ હોવાથી ઉપરોક્ત તાલુકા હસ્તકના ગામોમાં 12 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. ત્યારબાદ પાણી પુરવઠો પૂર્વવત્ શરૂ કરવામાં આવશે.

જામનગરના આ તાલુકાના ગામોમાં 12 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તાલુકાના હસ્તકની પાણી પુરવઠા યોજના નર્મદા પાઈપલાઈન આધારિત હોય જેનું મુખ્ય પમ્પીંગ સ્ટેશન સુરેન્દ્રનગર ઢાંકી ખાતે આવેલ છે. જે પમ્પિંગ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ મારફત પાણી લેવામાં આવે છે. તે બ્રાન્ચ કેનાલમાં વિરમગામ પાસે ભંગાણ થયેલ હોવાથી ઉપરોક્ત તાલુકા હસ્તકના ગામોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. ત્યારબાદ પાણી પુરવઠો પૂર્વવત્ શરૂ કરવામાં આવશે.
સુરત રેગિંગ કેસમાં 4 ડોક્ટર સસ્પેન્ડ
ગુજરાત સરકાર 1.84 કરોડ બાળકો માટે રાજ્યવ્યાપી કૃમિનાશક અભિયાન શરૂ કરી રહી છે, જ્યારે સુરતમાં રેગિંગના કારણે વિદ્યાર્થીની આત્મહત્યા બાદ 24 કલાકની તપાસમાં 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરી એચઓડીને નોટિસ પાઠવવામાં આવી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 33 થી 35 પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે, જોકે આરોગ્ય વિભાગે હાલમાં કોઈ ગંભીર કેસ ન હોવાનું જણાવી નિવારક પગલાં તેજ કર્યા છે. સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ રોકવા માટે અને જવાબદારી નક્કી કરવા માટે રાજ્યવ્યાપી કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું નેતૃત્વ કરી આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા સુધીમાં વિકસિત ભારતના નિર્માણ અને રાષ્ટ્રીય એકતાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન મોદીના 'હર ઘર તિરંગા' અભિયાનને વેગ આપતા પટેલે જણાવ્યું હતું કે, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જન-જનમાં દેશભક્તિ જગાડવા સાથે સ્વરાજ્યને સુરાજ્યમાં પરિવર્તિત કરવાનો છે. તેમણે નાગરિકોને 'નેશન ફર્સ્ટ'ની ભાવના સાથે આ સંકલ્પમાં જોડાઈ ભારતની અખંડિતતા વધુ મજબૂત કરવા અપીલ કરી હતી.
ગાંધીનગરમાં નવા સચિવાલયના બ્લોક નંબર 9માં આગ
રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત નવા સચિવાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નવા સચિવાલયના બ્લોક નંબર 9 ના બેઝમેન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર જવાનોએ સમયસર કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આ આગની ઘટનામાં બેઝમેન્ટમાં રાખવામાં આવેલો સરકારી રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હોવાના અહેવાલ છે. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.
સરકારી કોલેજોમાં 'ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક'ની પોસ્ટ રદ કરવા અધ્યાપકોની માંગ
ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવીને સરકારી કોલેજો માટે ઊભી કરાયેલી 'ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક વર્ગ-2' ની વિવાદાસ્પદ પોસ્ટને મૂળ અસરથી રદ કરવા માંગ કરવામાં આવી છે. મંડળનો મુખ્ય આક્ષેપ છે કે UGC ના નિયમો કે ઉચ્ચ શિક્ષણનો કોઈ અનુભવ ન ધરાવતા શાળા કક્ષાના શિક્ષકોને આ પદ પર મૂકીને વર્ગ-1 અને વર્ગ-2ના રાજ્યપત્રિત અધિકારીઓનું (અધ્યાપકોનું) મૂલ્યાંકન સોંપવું એ પ્રોટોકોલ અને સરકારી પગારધોરણનો સીધો ભંગ છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ 10 નવી નોડલ કચેરીઓ શરૂ કરી ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની આ જગ્યાઓ ઊભી કરાઈ હતી, જેનો અગાઉ વિરોધ થતાં નિર્ણય સ્થગિત કરાયો હતો, પરંતુ તાજેતરના પરિપત્રથી પુનઃ આ પદ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ નક્કી કરાતાં વિવાદ ફરી વકર્યો છે. અધ્યાપકોનું માનવું છે કે મોટાભાગની સરકારી કોલેજો પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ NAAC માં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે, તેથી આ નવી કચેરી કે નિરીક્ષકની કોઈ જ વહીવટી જરૂરિયાત રહેતી નથી; અને જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.