Legal News: 'આદિવાસી મહિલાનો પતિની મિલકત પર પૂર્ણ અધિકાર', બારડોલીના જમીન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, આદિવાસી મહિલાને પણ બંધારણ હેઠળ પુરુષ સમાન મિલકત હક મળે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 15 Sep 2026 10:27 AM (IST)Updated: Tue, 15 Sep 2026 10:27 AM (IST)
gujarat-high-court-on-tribal-women-property-right-in-bardoli-land-dispute
ગુજરાત હાઈકોર્ટ

Bardoli Land Dispute Case: અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજમાં રૂઢિગત કાયદાના નામે મહિલાઓને મિલકતના અધિકારથી વંચિત રાખી શકાય નહીં તેવો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, આદિવાસી મહિલાને પણ બંધારણ હેઠળ પુરુષ સમાન મિલકત હક મળે છે અને તે વારસામાં મળેલી મિલકતનું મરજી મુજબ વસિયતનામું કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મૌલિક જે. શૈલાટની સિંગલ બેંચે બારડોલીના બોરીગાલા ગામના 35 વર્ષ જૂના જમીન વિવાદનો આખરી ઉકેલ લાવતા નિસંતાન મૃતક છાનીબેન દ્વારા ભત્રીજાઓના નામે રજિસ્ટર્ડ વસિયતનામાને કાયદેસર ઠેરવ્યું છે, અને તેમના ભાઈના ઉત્તરાધિકારના દાવાને ફગાવી દીધો છે.

શું હતો 35 વર્ષ જૂનો કાનૂની જમીન વિવાદ?

બારડોલીમાં પતિ જીવલાભાઈનું અવસાન થતાં ખેતીની જમીન વારસામાં છાનીબેનના નામે ચડી હતી. છાનીબેને વર્ષ 1991 માં પોતાના ભત્રીજાઓના નામે રજિસ્ટર્ડ વસિયતનામું કર્યું હતું. જોકે, તેમના અવસાન બાદ ભાઈએ કોર્ટમાં દાવો કર્યો કે, ઉત્તરાધિકારના નિયમ મુજબ જમીનના માલિક તેઓ બને છે.

દાયકાઓથી આદિવાસી સમાજમાં પિતૃસત્તાક રૂઢિગત પરંપરાનું બહાનું બનાવી મહિલાઓને જમીન-મિલકતના હકથી દૂર રખાતી હતી. વધુમાં, મહિલાઓએ કોર્ટમાં સાબિત કરવું પડતું હતું કે તેમના સમાજમાં મહિલાને મિલકત આપવાનો રિવાજ છે. જોકે, હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, આદિવાસી મહિલાને પણ બંધારણ હેઠળ પુરુષ સમાન મિલકત હક મળે છે.

મહિલાનો હક છીનવનારે પુરાવા આપવા પડશે

ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હવે આદિવાસી મહિલાનો મિલકત હક છીનવનાર પુરુષે કોર્ટમાં નક્કર પુરાવા સાથે સાબિત કરવું પડશે કે તેમના સમાજમાં મહિલાને મિલકતથી વંચિત રાખવાની વણલખાયેલી પરંપરા છે, જે સાબિત કરવું કાયદાકીય રીતે લગભગ અશક્ય છે.

બંધારણની કલમ 14 અને સુપ્રીમ કોર્ટનો હવાલો

ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના 2025નાચુકાદાનો હવાલો આપતા સ્પષ્ટ કર્યું કે, બંધારણની કલમ 14 સમાનતાનો અધિકાર અને ન્યાય, સમાનતા તથા સદબુદ્ધિ સિદ્ધાંત મુજબ મહિલાનો હક છીનવી શકાય નહીં. એડવોકેટ સંદીપ ક્રિષ્ટીના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી વિધવા કે નિસંતાન આદિવાસી મહિલાઓનું સામાજિક અને આર્થિક શોષણ અટકશે.

કાયદાકીય અસ્પષ્ટતા દૂર કરવા સરકારને ટકોર

હિન્દુ ઉત્તરાધિકાર કાયદો, 1956 ની કલમ 2(2) મુજબ કાયદો અનુસૂચિત જનજાતિને સીધો લાગુ પડતો નથી, જેના કારણે વારંવાર માલિકી હકના વિવાદો થાય છે. ગુજરાત હાઈકોર્ટે આ આદેશમાં રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે આદિવાસી મહિલાઓના સમાન મિલકત અધિકાર માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે સત્વરે સંકલન સાધીને કલમ 2(2) હેઠળ નોટિફિકેશન બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.