Legal News: મહિલાઓના સંપત્તિના અધિકાર પર ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, કહ્યું-'પુત્રીને જન્મથી જ ખેડૂત તરીકેનો કાયદાકીય દરજ્જો'

ગુજરાત હાઈકોર્ટે પોરબંદર જિલ્લા કલેક્ટરના મહેસૂલી આદેશ અને 50 લાખના દંડને રદ્દ કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 19 Sep 2026 10:07 AM (IST)Updated: Sat, 19 Sep 2026 10:07 AM (IST)
gujarat-high-court-judgement-on-women-farmer-status-and-property-rights-legal-news
ગુજરાત હાઈકોર્ટ

Womens Property Rights Case: મહિલાઓના સંપત્તિના અધિકારોનું રક્ષણ કરતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લગ્ન થવાથી કે મહેસૂલી રેકોર્ડમાંથી નામ કપાવાથી મહિલાનો ખેડૂત તરીકેનો કાયદાકીય દરજ્જો નાબૂદ થતો નથી. આ સાથે ગુજરાત હાઈકોર્ટે પોરબંદર જિલ્લા કલેક્ટરના 10 વર્ષ જુના આદેશ અને 50 લાખના દંડને રદ્દ કર્યો હતો.

શું હતો ખેતી જમીન ખરીદીનો મામલો?

આ સમગ્ર કેસની મળતી વિગતો અનુસાર, પોરબંદર જિલ્લા કલેક્ટરના આદેશ દ્વારા એક મહિલાની જમીનની ખરીદીને રદ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે 1990 ની જમીન મ્યુટેશન (હક-ચકાસણી) એન્ટ્રીઓને અમાન્ય ઠેરવી અને અરજદાર પર રૂ. 50 લાખનો ભારે દંડ ફટકાર્યો હતો. કલેક્ટરની દલીલ હતી કે મહિલા ખેડૂત નથી અને તેમણે ખેતીની જમીનના વ્યવહારો કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે પોરબંદર જિલ્લા કલેક્ટરના ઓગસ્ટ 2016 ના એક દાયકા જૂના મહેસૂલી આદેશને સંપૂર્ણપણે રદ્દ કરી દીધો અને જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ જસુમતીબેન નવલદાસ દાસાણી અને અન્યની તરફેણમાં આ ચુકાદો સંભળાવ્યો છે. વધુમાં ગુજરાત હાઈકોર્ટે સરકારી રેકોર્ડમાં મહેસૂલી એન્ટ્રી તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

સગા ભાઈએ જ આચરી હતી ગેરરીતિ

હાઈકોર્ટે કેસની વિગતોની નોંધ લેતા જણાવ્યું કે, 1967માં અરજદારના પિતાના અવસાન બાદ અરજદારના ભાઈ રમેશએ તેમની સાથે ગેરરીતિ આચરી હતી. ભાઈએ બનાવટી દસ્તાવેજો દ્વારા મહેસૂલી રેકોર્ડમાંથી બહેનનું નામ કૌટુંબિક જમીનના રેકોર્ડમાંથી કપટપૂર્વક દૂર કરાવ્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ભાઈએ બનાવટી દસ્તાવેજોથી નામ હટાવી દેતા મહિલાએ ખેડૂત તરીકેનો પોતાનોકાયદેસરનો અધિકાર ગુમાવ્યો નથી.

જન્મથી મળે છે ખેડૂત તરીકેનો દરજ્જો

સત્તાધિકારીઓ એ હકીકત ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહ્યા કે પ્રમાણપત્ર સ્પષ્ટ દર્શાવે છે કે તેમના ભાઈ પાસે વારસામાં મળેલી ખેતીની જમીન છે. તેથી, ખેડૂતની પુત્રી હોવાના નાતે અરજદારને ખેડૂતનો દરજ્જો ધરાવતી ગણી શકાય. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ખેડૂતની પુત્રી લગ્ન કરે અથવા કૌટુંબિક જમીનના રેકોર્ડમાંથી તેનું નામ કપટપૂર્વક દૂર કરવામાં આવે, તેમ છતાં જન્મથી જ તેનો ખેડૂત તરીકેનો કાયદાકીય દરજ્જો અકબંધ જળવાઈ રહે છે.