Gujarat High Court: વિદેશમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી ભારતીય મહિલા નોકરી છોડીને ભારત પરત આવી હતી. પરંતુ મહિલાનું રોડ અકસ્માતમાં મોત થઈ જતાં પતિ અને પુત્રે વળતર મેળવવા અંગે દાવો કર્યો હતો. જે વીમા કંપનીએ આ વળતરની અરજી સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી,. આ અપીલને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટે મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલ નિર્ણયને યથાવત્ત રાખતા સ્પષ્ટ કર્યું કે, માત્ર નોકરીમાંથી રાજીનામુ આપવાથી કોઇ પણ વ્યક્તિની કમાણી કરવાની ક્ષમતા કે ભવિષ્યની આવક શૂન્ય થઈ જતી નથી. આ સાથે જ હાઇકોર્ટે પરિવારને વ્યાજ સહિત આશરે 2.80 કરોડ વળતર ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર મામલો
મૂળ ભારતીય માનસીબેન સિદ્ધાર્થ મહેતા ઓસ્ટ્રેલિયામાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં હતા. વર્ષ 2009થી 2012 દરમિયાન તેમની વાર્ષિક આવક આશરે 31.931 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે ભારતીય રુપિયામાં અંદાજે રુ. 17.56 લાખ હતી. પરિવાર સાથે સમય વિતાવવાના હેતુથી મહિલા નોકરીમાંથી રાજીનામું આપીને ભારત આવ્યા હતા.
19 ઓક્ટોબર 2013ના રોડ જ્યારે તેઓ પરિવાર સાથે પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે ધોલેરાથી ભાવનગર તરફ જતાં સનેસ ગામ નજીક એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જેમાં માનસીબેનનું કરુણ મોત થયું હતું. આ દુર્ઘટના બાદ તેમના પતિ સિદ્ધાર્થ મહેતા અને પુત્રે વકીલ હિરેન મોદી મારફતે વળતર માટે દાવો દાખલ કર્યો હતો.
વીમા કંપનીની દલીલ અને હાઇકોર્ટનો ચુકાદો
હાઈકોર્ટ સમક્ષ વીમાં કંપનીએ દલીલ કરી કે, દુર્ઘટના પહેલા માનસીબેને નોકરી પરથી રાજીનામુ આપ્યુ હોવાથી તેમની આવક શૂન્ય હોવી જોઈએ. ત્યારે તેની સામે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, અકસ્માત સમયે વ્યક્તિ પાસે નોકરી ન હોય તો પણ તેની અગાઉની આવક, તેની શૈક્ષણિક લાયકાત, કમાણી કરવાની ક્ષમતા અને ભવિષ્યમાં આવક વધવાની સંભાવનાઓને ધ્યાનમાં લેવી અનિવાર્ય છે .ટ્રિબ્યુનલે મંજૂર કરેલા રુ, 2.79 કરોડના વ્યાજ સહિત રુ. 2.80 કરોડના વળતરના હુકમને યોગ્ય ઠેરવીને હાઈકોર્ટે વીમા કંપનીની અપીલ રદ કરી હતી.
