Plane Crash DNA Identification: 12 જૂન 2025ની એર ઇન્ડિયા વિમાન કરેશની ઘટના સમગ્ર ભારતને હચમચાવી દીધું હતું. જેમાં 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના એટલી ભયાનક હતી કે, જેમાં મૃતકોની ઓળખ કરવી એ પણ મોટો પડકાર હતો. ઘટનામાં સૌથી મોટી ચેલેન્જ મૃતકોની ઓળખ કરવી હતી. પ્લેન ક્રેસમાં કેટલાક મૃતકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. આ ઉપરાંત શરીર એટલી હદે આગમાં બળી ગયું હતું કે તેનું ડીએનએ સેમ્પલ મેળવવું પણ મુશ્કેલ હતું. આમ છતાં ગુજરાત એફએસએલની કામગીરી વખાણવા જેવી હતી.
ડીએનએ બાબતે ગુજરાત એફએસએલના DNA વિભાગના આસી. ડાયરેકટર મનીષા પટેલે પોતાની આપવીતી રજૂ કરી હતી. વિમાન દુર્ઘટનામાં સંપૂર્ણપણે સળગી ગયેલા અને ક્ષતિગ્રસ્ત થયેલા 500થી વધુ માનવ અવશેષોના નમૂનાઓમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA આઇસોલેટ કરી, તમામ 241 મૃતકોની સફળતાપૂર્વક ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહની ઓળખનો પણ સમાવેશ થાય છે.
500થી વધુ અત્યંત ક્ષતિગ્રસ્ત નમૂના: FSL માટે સૌથી મોટો પડકાર
આ અંગે મનીષા પટેલે જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર વિક્ટમ આઇડેન્ટિફિકેશન (DVI) પ્રોટોકોલ હેઠળ ઘટનાસ્થળેથી અને પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર્સ તરફથી FSL ગાંધીનગરને 500થી વધુ સેમ્પલ મળ્યા હતા. વિમાન દુર્ઘટના એટલી ભીષણ હતી કે આગની અતિશય ગરમીના કારણે અવશેષો અને હાડકાં એકદમ સળગી ગયા હતા. આવા નમૂનાઓમાંથી DNA મેળવવું એ વૈજ્ઞાનિકો માટે હિમાલય ચડવા જેવું અશક્ય કામ હતું.પરંતુ, અગાઉની દુર્ઘટનાઓના અનુભવ અને અદ્યતન ટ્રીટમેન્ટ-પ્રી-ટ્રીટમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને નિષ્ણાતોએ આ અશક્ય કામને શક્ય બનાવ્યું હતું.
વર્લ્ડ ક્લાસ 'કટિંગ એજ' ટેકનોલોજીનો ઉપયોગ
મનીષા પટેલે વધુમાં જણાવ્યું કે, ગાંધીનગર FSL દ્વારા આ તપાસમાં વિશ્વભરમાં વપરાતી સૌથી આધુનિક ટેકનોલોજી, જેવી કે PCR (પોલિમરેઝ ચેઇન રિએક્શન) સિક્વન્સિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યંત બળી ગયેલા હાડકાંને ખાસ કેમિકલ પ્રી-ટ્રીટમેન્ટ આપીને તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું DNA મેળવવામાં આવ્યું, જેથી ફેમિલી મેમ્બર્સના બ્લડ સેમ્પલ સાથે તેનું પરફેક્ટ મેચિંગ થઈ શકે.
પાયલોટ અને ક્રૂ-મેમ્બર્સની ઓળખમાં એવિએશન ફ્યુઅલનો અવરોધ
ક્રૂ મેમ્બરની ઓળખ બાબતે મનીષા પટેલે જણાવ્યું કે, તપાસ દરમિયાન પાયલોટ અને ક્રૂ-મેમ્બર્સના વિસેરા (શરીરના આંતરિક અંગોના નમૂના) પણ મળ્યા હતા. વિમાનના બળતણ (એવિએશન ફ્યુઅલ) અને અન્ય કેમિકલ્સ ભળવાના કારણે આ નમૂનાઓ કેમિકલ ઇમર્જન્સી જેવા બની ગયા હતા. FSLની ટીમે ખાસ પ્રી-ટ્રીટમેન્ટ આપીને ફ્યુઅલની અસર દૂર કરી અને તેમાંથી પણ સફળતાપૂર્વક DNA પ્રોફાઇલ તૈયાર કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દેહની ઓળખ કેવી રીતે થઈ?
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA ટેસ્ટ બાબતે મનીષા પટેલે કહ્યું હતું કે, અનનોન બોડી તરીકે આવ્યા હતા સેમ્પ FSLના અધિકારીએ જણાવ્યું કે, જ્યારે 241 મૃતદેહોના સેમ્પલ લેબોરેટરીમાં આવ્યા, ત્યારે કલેક્શન કરનાર ડૉક્ટર્સ કે FSL સ્ટાફને ખબર નહોતી કે કયો નમૂનો કોનો છે. તમામ સેમ્પલ 'અનનોન બોડી' તરીકે જ પ્રોસેસ કરવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીના પરિવારના સભ્યોના બ્લડ સેમ્પલ લેવાયા હતા. જ્યારે લેબમાં પૂર્વ સીએમના મૃતદેહના ટિશ્યુ (કોષો) સેમ્પલનું ટેસ્ટિંગ થયું અને તે પરિવારના બ્લડ સેમ્પલ સાથે મેચ થયું, ત્યારે જ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ કે આ નમૂનો વિજય રૂપાણીનો હતો. વીઆઇપી કેસ હોવાથી વૈજ્ઞાનિકોએ પ્રોટોકોલ મુજબ આ પ્રક્રિયાને ટોચની અગ્રતા (Priority) આપી હતી.
15 દિવસ સુધી 24/7 સતત ચાલ્યું ઓપરેશન
આ ભગીરથ કાર્યને પૂરું કરવા માટે ગુજરાત ફોરેન્સિક ક્લબના DNA એક્સપર્ટ્સ, FSL ગાંધીનગર અને અન્ય પ્રાદેશિક (Regional) લેબોરેટરીના તમામ નિષ્ણાતો અને સ્ટાફ કામે લાગ્યો હતો. વૈજ્ઞાનિકોએ સતત 15 દિવસ સુધી 24 કલાક (24/7) શિફ્ટ વગર કામ કર્યું હતું.
ટીમના અથાગ પરિશ્રમના કારણે દુર્ઘટનાના શરૂઆતી 72 કલાકની અંદર જ મોટાભાગના કેસોનું આઇડેન્ટિફિકેશન પૂરું કરી દેવાયું હતું, જેથી શોકગ્રસ્ત પરિવારોને વહેલી તકે તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપી શકાયા.ગુજરાત FSLની આ કામગીરીએ સાબિત કર્યું છે કે આપત્તિ વ્યવસ્થાપન અને ફોરેન્સિક આઇડેન્ટિફિકેશનમાં ભારત વૈશ્વિક સ્તરે અગ્રેસર છે.
