ટેકનિકલ કોલેજોની ફી વધારવાની મનમાની પર બ્રેક: 131% સુધીનો વધારો માંગનાર 7 કોલેજોને FRC એ માત્ર 6 થી 11% વધારો મંજૂર કર્યો

ગુજરાતની 7 ટેકનિકલ કોલેજો દ્વારા 5 ટકાથી વધુ ફી વધારા માટે કરવામાં આવેલી દરખાસ્ત સામે ફી નિર્ધારણ સમિતિ (FRC) દ્વારા વર્ષ 2026-27 થી 2028-29 સુધીના ત્રણ વર્ષના બ્લોક માટેનું નવું ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 09:22 AM (IST)Updated: Mon, 16 Nov 2026 09:22 AM (IST)
gujarat-frc-approves-6-to-11-percent-fee-hike-for-7-technical-colleges-rejects-131-percent-demand
ટેકનિકલ કોલેજો

Gujarat FRC Fee Structure: રાજ્યની ટેકનિકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની 7 ટેકનિકલ કોલેજો દ્વારા 5 ટકાથી વધુ ફી વધારા માટે કરવામાં આવેલી દરખાસ્ત સામે ફી નિર્ધારણ સમિતિ (FRC) દ્વારા વર્ષ 2026-27 થી 2028-29 સુધીના ત્રણ વર્ષના બ્લોક માટેનું નવું ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ કોલેજોએ 21 ટકાથી લઈને 131 ટકા સુધીનો તોતિંગ ફી વધારો માંગ્યો હતો, પરંતુ સમિતિએ કોલેજોના અયોગ્ય ખર્ચાઓને અમાન્ય ઠેરવીને માત્ર 6 થી 11 ટકા સુધીનો જ ફી વધારો મંજૂર કર્યો છે.

ગાંધીનગરની કોલેજોએ માંગ્યો હતો 118 થી 131 ટકાનો વધારો

સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્તોમાં ગાંધીનગરની ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ (IAR) દ્વારા એમસીએ (MCA) અભ્યાસક્રમમાં અગાઉની ₹69,400 ફી સામે 131 ટકાના જંગી વધારા સાથે ₹1,60,000 ફી માંગવામાં આવી હતી. જોકે, FRC એ આ માંગણી ફગાવી દઈને 10 ટકા વધારા સાથે ₹76,000 ફી મંજૂર કરી છે. તેવી જ રીતે, ગાંધીનગરની સ્કિપ્સ સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સે બીઈ-બીટેકમાં ₹72,000 સામે 118 ટકા વધારો માંગ્યો હતો, પરંતુ સમિતિએ 11 ટકા વધારા સાથે ₹80,000 ફી નક્કી કરી છે. આ ઉપરાંત, સૌથી વધુ વડોદરાની નવરચના યુનિવર્સિટીની એમ.પ્લાન (M.Plan) ની ફી ₹1.04 લાખ અને વાપીની પ્લાસ્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનિવર્સિટીની ઈજનેરીની ફી ₹1.03 લાખ નક્કી કરાઈ છે.

કોલેજનું નામ અભ્યાસક્રમ ૨૦૨૬-૨૭ ૨૦૨૭-૨૮ ૨૦૨૮-૨૯
પીઆઈયુ - વાપી બીઈ-બીટેક
રૂ.૧,૦૩,૦૦૦
રૂ.૧,૦૯,૦૦૦
રૂ.૧,૧૫,૦૦૦
સ્કિપ્સ યુનિ. - કલોલ બીઈ-બીટેક
રૂ.૮૦,૦૦૦
રૂ.૮૮,૦૦૦
રૂ.૯૬,૦૦૦
મર્ચન્ટ ઇન્સ્ટિટ્યૂટ - બાસણા બી.ફાર્મ.
રૂ.૮૨,૦૦૦
રૂ.૮૯,૦૦૦
રૂ.૯૭,૦૦૦
એસવીપીઆઈએસ - બારડોલી બી.ફાર્મ.
રૂ.૭૧,૦૦૦
રૂ.૭૭,૦૦૦
રૂ.૮૪,૦૦૦
એસપીસીઈટી - બાકરોલ ડિપ્લોમા ઇજનેરી
રૂ.૪૧,૦૦૦
રૂ.૪૫,૦૦૦
રૂ.૪૯,૦૦૦
આઈએઆર - ગાંધીનગર એમસીએ
રૂ.૭૬,૦૦૦
રૂ.૮૩,૦૦૦
રૂ.૯૦,૦૦૦
નવરચના યુનિ. - વડોદરા એમ.પ્લાન.
રૂ.૧,૦૪,૦૦૦
રૂ.૧,૧૩,૦૦૦
રૂ.૧,૨૨,૦૦૦

કોલેજોની મનમાની પર FRC ની સ્પષ્ટ સૂચના

ફી નિર્ધારણ સમિતિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી એકસાથે પૂરી ફી વસૂલી શકશે નહીં. આ ઉપરાંત, હોસ્ટેલ, ટ્રાન્સપોર્ટેશન અને બેંક ગેરંટી માટે પણ કોઈપણ કોલેજ વિદ્યાર્થીઓ કે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં. જો કોઈ કોલેજ સામે નિયમ ભંગની ફરિયાદ આવશે તો સમિતિ દ્વારા કડક પગલાં ભરવામાં આવશે.