Gujarat Energy CNG Price Hike: ગુજરાતમાં CNG વાહન ચાલકો માટે ફરી ભાવ વધારાના સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ (Adani Gas) બાદ હવે ગુજરાત એનર્જી (Gujarat Gas) દ્વારા CNG ના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ ગુજરાત ગેસના CNG નો ભાવ ₹88.76 થી વધીને ₹93.76 પ્રતિ કિલો થયો છે. નવો ભાવ આજે 15 નવેમ્બરે રાત્રે 12 વાગ્યા બાદ અમલમાં આવશે.
4 મહિના બાદ ફરી CNG ના ભાવમાં વધારો
ગુજરાત એનર્જી દ્વારા અગાઉ 18 ઓગસ્ટના રોજ CNG ના ભાવમાં પ્રતિ કિલો ₹3.75 વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે ભાવ ₹85.01 થી વધીને ₹88.76 થયો હતો. હવે અંદાજે 4 મહિના બાદ ગુજરાત એનર્જીએ ફરી પ્રતિ કિલો ₹5 વધારો કર્યો છે. આ સાથે નવો ભાવ ₹93.76 પ્રતિ કિલો પર પહોંચ્યો છે. આ ભાવ વધારાને કારણે CNG થી ચાલતી કાર, રીક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા ચાલકોના ખર્ચમાં વધારો થશે.
CNG ના ભાવ પેટ્રોલ-ડીઝલની નજીક પહોંચ્યા
દિવાળી બાદ મોંઘવારી વચ્ચે CNG ના ભાવ વધતા વાહન ચાલકો પર આર્થિક બોજ વધશે. થોડા સમય પહેલાં અદાણી ગેસ દ્વારા પણ CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે ગુજરાત ગેસ દ્વારા પણ ભાવ વધારો કરાતા CNG વાહન ચાલકોના ખર્ચમાં પણ વધારો થશે. સતત ભાવ વધારાને કારણે CNG ના ભાવ પેટ્રોલની નજીક પહોંચ્યા છે.
CNG ભાવ વધારા માટે કયા કારણો જવાબદાર?
1. ગેસ ખરીદીના કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારો
નવા કૂવાના ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી પ્રાપ્તિ તેમજ હાજર બજારમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ના ઊંચા ભાવને કારણે CNG સેગમેન્ટ માટે ગેસ ખરીદવાનો સરેરાશ ખર્ચ વધ્યો છે.
2. નવા કૂવાના ગેસની અછત
ઓછા ભાવે મળતા સ્થાનિક કુદરતી ગેસની (NWG) ફાળવણી ઘટતા CNG ની માંગ પૂરી કરવા માટે ઓછા ખર્ચે ગેસ મેળવવાની ઉપલબ્ધતા ઓછી થઈ છે.
3. પ્રાથમિકતા ધરાવતા ગેસની ઓછી ઉપલબ્ધતા
19 ઓક્ટોબર, 2026 ના HPHT ઓફીસ મેમોરેન્ડમ મુજબ, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે HPHT ગેસના ક્વોટામાં ઘટાડો થતા CNG માટે સ્થાનિક ગેસની ઉપલબ્ધતા ઘટી છે.
4. આંતરરાષ્ટ્રીય બજારમાં LNG ના ભાવમાં વધારો
કંપની દ્વારા જણાવ્યા મુજબ, વૈશ્વિક બજારમાં સ્પોટ LNG ના ભાવ ફેબ્રુઆરી, 2026 માં આશરે 10 થી 12 અમેરિકન ડોલર પ્રતિ MMBtu હતા, જે હાલમાં વધીને આશરે 30 અમેરિકન ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચી ગયા છે. તેના કારણે આયાતી ગેસનો ખર્ચ વધ્યો છે.
5. ઉત્પાદન ક્ષેત્રે પુરવઠાની મર્યાદાઓ
મુખ્ય ગેસ ઉત્પાદકો તરફથી પુરવઠામાં સતત કાપ મૂકવામાં આવતો હોવાથી ગેસની અછત ઊભી થઈ છે. આ અછતને પહોંચી વળવા માટે મોંઘા વૈકલ્પિક સ્ત્રોત પર નિર્ભર રહેવું પડે છે.
6. ખરીદી ખર્ચનું ભારણ સરભર કરવાની જરૂરિયાત
કંપનીના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિમાં પણ ગ્રાહકોને અવિરત ગેસ પુરવઠો મળી રહે તે માટે કંપનીએ વધેલા ખર્ચનો મોટો હિસ્સો પોતે ભોગવ્યો છે. જોકે, ખરીદીના ખર્ચના વધારાને આંશિક રીતે સરભર કરવા માટે CNG ના ભાવમાં મર્યાદિત વધારો કરવો જરૂરી બન્યો છે.
