Gujarat Cyber Crime: દેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ દર્શન, પૂજા વિધિ, પ્રોટોકોલ અને રૂમ બુકિંગ કરાવવાના નામે શ્રદ્ધાળુઓ સાથે મોટી છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય સાયબર ક્રાઈમ ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ઓપરેશન પાર પાડીને દિલ્હીના એક B.Tech પાસ એન્જિનિયર અને રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે. આ શાતિર ગેંગે દેશના વિવિધ 126 ધાર્મિક સ્થળોની બોગસ/નકલી વેબસાઈટ બનાવીને 21,985 જેટલા નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
B.Tech પાસ માસ્ટરમાઇન્ડ ઘરેથી જ ચલાવતો હતો આખું નેટવર્ક
પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો અનુસાર, આ રેકેટનો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો વિકી ગુપ્તા છે, જેણે કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech સુધીનો અભ્યાસ કરેલો છે. તે પોતાના ઘરેથી જ આ તમામ 126 નકલી પોર્ટલ્સનું સંચાલન કરતો હતો. જ્યારે બીજો આરોપી શૈલેષ સૈની, જેની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરવામાં આવી છે, તે નાણાકીય વ્યવહારો અને અન્ય ટેકનિકલ બાબતોમાં મદદ કરતો હતો.
આ આરોપીઓ છેલ્લા આશરે 8 મહિનાથી આ કૌભાંડ આચરી રહ્યા હતા. સાયબર એજન્સીઓથી બચવા માટે તેઓ અવારનવાર વેબસાઈટના ડોમેઈન નેમ બદલી નાખતા હતા. આ સિવાય યુઝર્સને આકર્ષવા માટે તેમણે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો પણ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતના ભક્તો બન્યા: 40 પોર્ટલ ગુજરાતના ધામોના!
આ સમગ્ર કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઠગ ગેંગે સૌથી વધુ ગુજરાતના ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. કુલ 126 નકલી પોર્ટલ પૈકી 40 વેબસાઈટ માત્ર ગુજરાતના પ્રખ્યાત ધામોની બનાવવામાં આવી હતી.
કયા ધાર્મિક સ્થળોના નામે બની હતી નકલી વેબસાઈટ?
- સાળંગપુર (કષ્ટભંજન દેવ): 8 નકલી વેબસાઈટ
- પ્રભાસ પાટણ (સોમનાથ મહાદેવ): 1 નકલી વેબસાઈટ
- દ્વારકા (જગતમંદિર): 1 નકલી વેબસાઈટ
- પાલીતાણા (જૈન તીર્થ): 1 નકલી વેબસાઈટ
- જૂનાગઢ (ગિરનાર/અંબાજી): 1 નકલી વેબસાઈટ
- ગાંધીનગર (અક્ષરધામ): 1 નકલી વેબસાઈટ
ભક્તો જ્યારે ગૂગલ પર ઓનલાઈન પૂજા, વીઆઈપી દર્શન કે ભક્તનિવાસ બુકિંગ માટે સર્ચ કરતા ત્યારે આ નકલી વેબસાઈટ ઉપર આવી જતી હતી. શ્રદ્ધાળુઓ સાચી વેબસાઈટ સમજીને ઓનલાઈન પેમેન્ટ કરી દેતા હતા, પરંતુ જ્યારે સ્થળ પર પહોંચતા ત્યારે તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતી હતી.
70 થી વધુ ફરિયાદો નોંધાઈ, ગુજરાત બહાર પણ પોલીસ તપાસ લંબાઈ
આ અંગે માહિતી આપતાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. ડો. રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે, આ ગેંગ સામે દેશભરમાંથી અત્યાર સુધીમાં 70 જેટલી સાયબર ફ્રોડની અધિકૃત ફરિયાદો દાખલ થઈ ચૂકી છે.
આ 126 ડોમેઈન અને વેબસાઈટો કોણે ખરીદી, તેના માટે ફંડ ક્યાંથી આવ્યું અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ કરવા માટે પોલીસની 2 વિશેષ ટીમો હાલ ગુજરાત બહાર કાર્યરત છે.
સાયબર સ્પેસ સુરક્ષા સલાહ: ઓનલાઈન બુકિંગ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
સત્તાવાર યુઆરએલ (URL) ચકાસો: કોઈપણ ધાર્મિક ટ્રસ્ટની ઓરિજિનલ વેબસાઈટના સરનામામાં 'https://' અને ડોમેઈન ચકાસીને જ આગળ વધો.
અજાણી લિંક પર ક્લિક ના કરો: સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર આવતી સસ્તા બુકિંગની લિંક્સ ખોલવાનું ટાળો.
સાયબર હેલ્પલાઈન: જો તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવો.
