ગુજરાતના CM અને DyCM અંગે ખોટી માહિતી ફેલાવનાર સામે પોલીસમાં FIR, જાણો શું હતો મામલો?

પવન ત્યાગી નામના એકાઉન્ટથી હર્ષ સંઘવીને CM અને ભુપેન્દ્ર પટેલને રાજ્યપાલ બનાવ્યા હોવાની પોસ્ટ થઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 23 Aug 2026 09:20 AM (IST)Updated: Sun, 23 Aug 2026 09:20 AM (IST)
gujarat-cm-harsh-sanghavi-governor-bhupendra-patel-fake-post-ahmedabad-crime-branch-fir
Gujarat CM Harsh Sanghavi Fake Post

Gujarat CM Harsh Sanghavi Fake Post: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હોદ્દાઓને લઈને ખોટી અને ભ્રામક પોસ્ટ વાયરલ કરનાર એકાઉન્ટ પવન ત્યાગી સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પવન ત્યાગી નામના આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકે રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

શું હતી સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ?

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહી હતી, ત્યારે પવન ત્યાગી નામના એકાઉન્ટ પર એક હિન્દીમાં લખાયેલી પોસ્ટ જોવા મળી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે:

"बड़ी ब्रेकिंग न्यूज़, गुजरात के डिप्टी CM हर्ष संघवी को गुजरात का मुख्यमंत्री बनाया जाएगा।, CM भूपेंद्र भाई पटेल को राज्यपाल बनाया जाएगा।"

એટલે કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે તેવી તદ્દન ખોટી જાહેરાત કરવામાં આવી હતી.

અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ

પોલીસ તપાસ અનુસાર, પવન ત્યાગીએ આવી સદંતર ખોટી અને બનાવટી પોસ્ટ વાયરલ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના બંધારણીય હોદ્દા તેમજ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કર્યું છે. આવી ભ્રામક પોસ્ટના કારણે ગુજરાતની પ્રજામાં તેમજ શાસક પક્ષ અકારણ ભય, ગભરાહટ અને સરકાર પ્રત્યે અવિશ્વાસનું નકારાત્મક વાતાવરણ ઊભું થઈ શકે છે.

BNS અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

આ ગંભીર મામલાને ધ્યાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પવન ત્યાગી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમ તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ પોસ્ટ કયા હેતુથી અને કોના ઈશારે મૂકવામાં આવી હતી, તેમજ તેનાથી કઈ કઈ અફવા કે ગેરસમજ ફેલાઈ છે.