વોશિંગ્ટનમાં મુખ્યમંત્રીની વોલમાર્ટ સાથે અગત્યની ચર્ચા, ગુજરાતના MSME સેક્ટરને મળશે ગ્લોબલ એક્સપોઝર

અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટનમાં વોલમાર્ટના વડા સાથે બેઠક યોજી. સ્થાનિક એમએસએમઈ અને નાના કારીગરોને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા વાયબ્રન્ટ 2027માં ખાસ રોડમેપ જાહેર થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 20 Aug 2026 06:11 PM (IST)Updated: Thu, 20 Aug 2026 06:11 PM (IST)
gujarat-cm-bhupendra-patel-walmart-discuss-msme-global-exports

Bhupendra Patel Washington Walmart: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસ અંતર્ગત સાન ફ્રાન્સિસ્કોની સફળ મુલાકાત પૂર્ણ કરીને બુધવારે વોશિંગટન ડી.સી. પહોંચ્યા હતા. વોશિંગટન ડી.સી.માં મુખ્યમંત્રીએ વન-ટુ-વન બેઠકોના ક્રમમાં વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથે મહત્વની બેઠક યોજી હતી.

MSME અને નાના કારીગરો માટે નિકાસની તકો પર મંથન

ગુજરાત મોટા પાયે MSME ઉદ્યોગો ધરાવે છે તે સંદર્ભમાં વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ બ્રાયન્ટે રાજ્યના વિશાળ MSME પુલને સેન્સીટાઈઝ કરીને ગુણવત્તા સુધારણા દ્વારા વૈશ્વિક નિકાસ તકો વધારવા અંગે પરામર્શ કર્યો હતો.

1.70 લાખ MSMEને તાલીમ આપવાનો લક્ષ્યાંક

વોલમાર્ટ દ્વારા પોતાના વૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત 2019થી અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ MSMEsને તાલીમ આપવામાં આવી છે. એટલું જ નહીં, 2028 સુધીમાં આ આંકડો 1.70 લાખ MSME સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, તેની વિગતો બ્રાયન્ટે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.

સંયુક્ત વર્કશોપ અને ક્ષમતા વર્ધનનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે મળીને વિશેષ વર્કશોપનું આયોજન કરવા સૂચવ્યું હતું, જેથી MSMEની ક્ષેત્રવાર (Sectoral) સંભાવનાઓની ઓળખ કરી તેમને યોગ્ય દિશા આપી શકાય.

વાયબ્રન્ટ સમિટ-2027માં સ્પષ્ટ રોડમેપ થશે જાહેર

રાજ્ય સરકાર અને વોલમાર્ટ આગામી 3થી 4 મહિનામાં MSME અને નાના કારીગરો માટે વૈશ્વિક તકો ઊભી કરવા સાથે મળીને કામ કરશે. આ અંગે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 દરમિયાન એક સ્પષ્ટ અને મજબૂત રોડમેપ જાહેર કરવા અંગે મુખ્યમંત્રી અને વોલમાર્ટના ડેલિગેશન વચ્ચે ફળદાયી મંત્રણા થઈ હતી.

ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળની ઉપસ્થિતિ

આ વન-ટુ-વન બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે.દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.