Gujarat ATS News: અરબી સમુદ્રમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્ર્ગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં લક્ષ્યદ્વીપ પાસેથી અંદાજે 3 હજાર કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ મેગા ઓપરેશન દરમિયાન જહાજ પર સવાર 5 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
526 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત
ગુપ્તચર એજન્સીઓ અને ગુજરાત એટીએસને મળેલી ગુપ્ત અને સચોટ બાતમીને આધારે કોસ્ટગાર્ડ દ્વારા લક્ષ્યદ્વીપના પશ્ચિમ વિસ્તારમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કર્યું હતું. જહાજ પર બાજ નજર રાખ્યા પછી કોસ્ટ ગાર્ડની ટીમે દરિયાની વચ્ચે વ્યૂહાત્મક રીતે બોટ પર બોર્ડિંગ કરીને તપાસ કરી હતી. કોસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં બોટમાંથી 526 કિલો મેથામ્ફેટાઈમાઈન અને હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સના માતબર જથ્થાની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં અંદાજે કિંમત 3 હજાર કરોડની આંકવામાં આવી છે.
5 પાકિસ્તાની નાગરિકોની અટકાયત
સુરક્ષા એજન્સીઓએ બોટ પર સવાર 5 પાકિસ્તાની નાગરિકોને કસ્ટડીમાં લઈ લીધા છે. તેમજ તેમની પાસેથી મળી આવેલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરીને તેમને મુંબઈ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા પાકિસ્તાની નાગરિકોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. આ જથ્થો ક્યાંથી લવાયો? ભારતમાં કોને ક્યાં પહોંચાડવાનો હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
