રોકાણકારો અને નાગરિકોની પહેલી પસંદ બનશે ગુજરાતના 3 શહેરો, જાણો સરકારનો 'મોડલ સિટી' પ્રોજેક્ટ

અમદાવાદ, સુરત અને રાજકોટ બનશે આંતરરાષ્ટ્રીય સ્તરના મોડલ સિટી. AI ટ્રાફિક સિસ્ટમ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન ઝોન સાથે રાજ્ય સરકારનો વિશેષ માસ્ટરપ્લાન જાહેર.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 01 Oct 2026 08:26 AM (IST)Updated: Thu, 01 Oct 2026 08:26 AM (IST)
gujarat-3-cities-model-city-ahmedabad-surat-rajkot-redevelopment-masterplan

Gujarat Model City: સમગ્ર દેશમાં સ્વચ્છતાના ક્ષેત્રમાં ગુજરાતના મોટા શહેરો રાજકોટ, સુરત અને અમદાવાદે ડંકો વગાડ્યો છે. હવે એક નવા સોપાનને સર કરવા માટે સજ્જ બન્યા છે. કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગ સાથે આયોજિક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ મોટા શહેરોને મોડેલ સિટી તરીકે વિકસાવવાનો એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ શહેરો માત્ર સ્વચ્છતા પૂરતા સીમિત ન રહેતા, સર્વાંગી વિકાસ, વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને ધંધો રોજગાર માટે શ્રેષ્ઠ સ્થાન તરીકે ઉભરશે.

મોડલ સિટી પ્રોજેક્ટ: શું છે નવું આયોજન?

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અનુસાર, આ ત્રણેય શહેરોને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવા માટે કામો કરવામાં આવશે, આધુનિક માળખાકીય સુવિઘાઓ દેમાં નાગરિકોને વિશ્વકક્ષાની પ્રાથમિક અને ડિજિટલ સગવડો પૂરી પડાશે. શહેરોમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે બાગ બગીચા, સઘન વૃક્ષારોપણ અને ગ્રીન ઝોન વિકસિત કરાશે, ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે એઆઈ આધારિત સ્માર્ટ સિગ્નલ સિસ્ટમ અને યોગ્ય આયોજન લાગૂ કરાશે. રસ્તાઓ, ડિજિટલ લાઈટિંગ અને સાર્વજનિક સ્થળોનો કાયાકલ્પ કરીને આકર્ષક લૂક અપાશે.

આ ત્રણ શહેરોને મળ્યું સન્માન

રાજકોટ: સ્વચ્છ સર્વેક્ષણ 2020માં રંગીલા રાજકોટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 10 લાખથી વધારે વસ્તી ધરાવનારા શહેરોની શ્રેણીમાં સમગ્ર ભારતમાં છઠ્ઠા સ્થાન પર રહીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. તેની સાથે સાથે ઈનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ, ફાસ્ટ મુવિંગ સિટી, ક્લિન સિટી સહિતની શ્રેણીમાં ઘણા એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

સુરત: દક્ષિણ ગુજરાતના સુરત શહેરે સ્વચ્છ સર્વેક્ષણ 2023-24માં સમગ્ર દેશમાં ઉત્તમ પ્રદર્શન કરીને ઈન્દોરની સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ડાયમન્ડ સિટી સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેરોની સુપર સ્વચ્છ લીગમાં કાયમી સ્થાન ધરાવે છે, સુરત સતત ટોચના 5થી 10 શહેરોમાં અને કચરા મુક્ત શહેરોમાં સ્થાન મેળવેલું છે.

અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં નેશનલ લેવલે ઈતિહાસ રચી દીધો છે. તેણે દેશના સૌથી મોટા સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં 10 લાખથી વધુની વસ્તી ધરાવતા દેશોમાં અમદાવાદ સિટીએ પાંચમો ક્રમાંક હાંસિલ કર્યો છે. તેની સાથે સાથે તાજેતરના વર્ષોમાં અમદાવાદ ટોચના 10 સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવેલ છે.

નાગરિકો અને રોકાણકારો માટે શું ફાયદો?

માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યાપાર-રોજગાર અને હરિયાળીના સમન્વયથી આ શહેરો વસવાટ કરવા માટે નાગરિકોની પ્રથમ પસંદગી બનશે. આ કાયાકલ્પથી સ્થાપનિક વ્યાપાર વધશે અને વિદેશી રોકાણો (FDI) આકર્ષવામાં મદદ મળશે.