GSRTC Recruitment 2026: એસ.ટી. બસમાં કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી માટેની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની મળીને 8917 જગ્યાઓ માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
4599 ડ્રાઈવર અને 4318 કંડક્ટરની ભરતી માટે અરજી મંગાવાઈ
GSRTC દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી હેઠળ 4599 ડ્રાઈવરોની જગ્યા ભરવામાં આવશે. ડ્રાઈવરની ભરતી માટે બિન-અનામત (2066), આર્થિક રીતે નબળા વર્ગો (EWS- 490) , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC- 1061), અનુસૂચિત જાતિ (SC- 274) અને અનુસૂચિત જનજાતિ (ST 708) તેમજ મહિલાઓ અને માજી સૈનિકો માટે બેઠકો અનામત રાખવામાં આવી છે.
આવી જ રીતે 4318 જગ્યાઓ પર કંડક્ટરની ભરતી કરવામાં આવશે. કંડક્ટર માટે પણ બિન-અનામત (2330), આર્થિક રીતે નબળા વર્ગો (EWS- 459) , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC- 843), અનુસૂચિત જાતિ (SC- 218) અને અનુસૂચિત જનજાતિ (ST 468) તેમજ મહિલાઓ અને માજી સૈનિકો માટે બેઠકો અનામત રાખવામાં આવી છે.
5 વર્ષ સુધી ફિક્સ પગાર મળશે
ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી માટે ઉમેદવારો આવતીકાલે એટલે કે 6 જૂનથી આગામી 5 જુલાઈ સુધી સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ઑનલાઈન અરજી કરી શકશે. જ્યારે અરજી સ્વીકારવાની તારીખ 7 જુલાઈ, 2026 રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયાને અંતે સિલેક્ટ થનારા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે માસિક 26 હજાર રૂપિયાનો ફિક્સ પગાર આપવામાં આવશે.
ડ્રાઈવરની માટે જરૂરી લાયકાત
એસ.ટી. નિગમ દ્વારા જણાવ્યા મુજબ, ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવા જોઈએ. જ્યારે વય મર્યાદા 25 થી 35 વર્ષની રાખવામાં આવી છે. જો કે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે.
આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાઇસન્સ અને બેઝ હોવો જરૂરી છે. તેમજ હેવી લાઇસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ અને તેટલો જ અનુભવ હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા: ભરતી પ્રક્રિયામાં બે મુખ્ય તબક્કા હશે:
- OMR લેખિત પરીક્ષા (100 ગુણ): આ પરીક્ષાનું 40 ટકા વેઈટેજ રહેશે. જેમાં સામાન્ય જ્ઞાન, રોડ સેફ્ટી, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ તથા અંક ગણિતના પ્રશ્નો પૂછાશે.
- ડ્રાઈવિંગ ટેસ્ટ (50 ગુણ): આ ટેસ્ટનું 60 ટકા વેઈટેજ રહેશે અને તેમાં પાસ થવા માટે લઘુત્તમ 35 ગુણ મેળવવા ફરજિયાત છે.
અરજી ફી: બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે રૂ.300 + GST અને અનામત વર્ગ (મહિલાઓ, SC, ST, SEBC, EWS અને માજી સૈનિકો) માટે રૂ. 200 + GST ઓનલાઇન પ્રોસેસ ફી નક્કી કરવામાં આવી છે.
કંડક્ટરની પોસ્ટ માટે જરૂરી લાયકાત
ડ્રાઈવરની જેમ જ કંડક્ટરની ભરતી માટે ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈશે. તેમજ કોમ્પ્યુટરનું બેઝીક નૉલેજ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈશે. જો કે અનામત વર્ગના ઉમેદવારો અને મહિલાઓને નિયમ મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, પરંતુ તે 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
વધુ માહિતી માટે ઉમેદવારોને નિગમની સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે
