GSRTCની મોટી જાહેરાત: રક્ષાબંધન દરમિયાન ગુજરાતમાં દોડશે 6,500 એક્સ્ટ્રા બસ ટ્રીપ

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે GSRTC દ્વારા તા. 26 થી 30 ઓગસ્ટ દરમિયાન 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના રૂટ પર એડવાન્સ બુકિંગ અને વધારાની બસોની સુવિધા ઉપલબ્ધ રહેશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 20 Aug 2026 08:34 PM (IST)Updated: Thu, 20 Aug 2026 08:49 PM (IST)
gsrtc-rakshabandhan-2026-6500-extra-buses-for-passengers

Raksha Bandhan Special GSRTC Buses: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ 2026માં પણ રક્ષાબંધનના તહેવારો દરમિયાન મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તારીખ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરના વિવિધ રૂટ પર કુલ 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે.

પ્રમુખ શહેરો અને યાત્રાધામોના રૂટ પર દોડશે બસો

GSRTC દ્વારા અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ તેમજ સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ સહિત પાવાગઢ જેવાં પ્રમુખ પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.

ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લીધો હતો લાભ

ગત વર્ષે રક્ષાબંધન પર્વ દરમિયાન નિગમ દ્વારા નિયમિત સર્વિસો ઉપરાંત 6,402 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી, જેના દ્વારા 3.33 લાખ મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી.

એડવાન્સ બુકિંગની સુવિધા અને નિગમની અપીલ

ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો અને પરિવારજનોને મુસાફરીમાં કોઈ અગવડ ન પડે તે માટે એડવાન્સ બુકિંગ અને વધારાની બસોની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.