GSRTC New AC Buses: ગુજરાતના લાખો મુસાફરો અને ધાર્મિક પ્રવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદથી બે જાણીતા તીર્થધામો ઉજ્જૈન અને શિરડી માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી AC સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસો શરૂ થવાથી મુસાફરોને હવે સીધી અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.
ગુરુવારથી જ આ બસોનું સંચાલન નિયમિત રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ - ઉજ્જૈન AC બસ સેવા (ટાઈમિંગ અને રૂટ)
મહાકાલેશ્વરના દર્શને જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે આ બસ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ઉપડવાનો સમય: આ બસ દરરોજ સાંજે 7:00 વાગ્યે અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી રવાના થશે.
રૂટ: આ બસ ગોધરા, દાહોદ અને ઇન્દોર થઈને ઉજ્જૈન પહોંચશે.
ભાડું: અમદાવાદથી ઉજ્જૈન સુધીનું ટિકિટ ભાડું આશરે ₹1,181 જેટલું રાખવામાં આવ્યું છે.
પરત ફરવાનો સમય: ઉજ્જૈનથી અમદાવાદ આવવા માટેની પરત બસ દરરોજ સાંજે 5:40 વાગ્યે ઉપડશે.
અમદાવાદ - શિરડી AC બસ સેવા (ટાઈમિંગ અને રૂટ)
સાંઈબાબાના દર્શને શિરડી જવા માટે પણ હવે લાંબી ટ્રેનોની રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ઉપડવાનો સમય: આ બસ દરરોજ સવારે 7:વાગ્યે અમદાવાદના નહેરુનગરથી ઉપડશે.
રૂટ: આ બસ સુરત, સાપુતારા અને નાસિકના સુંદર રસ્તાઓ થઈને શિરડી પહોંચશે.
ભાડું: અમદાવાદથી શિરડીનું ભાડું અંદાજે ₹1,289 છે.
પરત ફરવાનો સમય: શિરડીથી અમદાવાદ માટેની બસ દરરોજ સવારે 10:00 વાગ્યે પ્રયાણ કરશે.
બુકિંગ કઈ રીતે કરવું?
GSRTCની આ બંને નવી AC બસ સેવાઓથી મુસાફરોની લાંબા અંતરની મુસાફરી વધુ સરળ બનશે. જો તમે પણ આ સપ્તાહમાં અથવા આગામી દિવસોમાં ફરવા કે દર્શને જવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે અગાઉથી જ ટિકિટ બુક કરાવી શકો છો.
તમે GSRTCની સત્તાવાર વેબસાઇટ (Official Website), મોબાઈલ એપ્લિકેશન (GSRTC App) અથવા નજીકના એસ.ટી. બસ સ્ટેશન પર આવેલા ઓનલાઈન કાઉન્ટર પરથી સરળતાથી એડવાન્સ બુકિંગ કરી શકો છો.
