Ahmedabad News: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2 ની 8 જગ્યાઓ માટે શુક્રવારે અમદાવાદના 25 પરીક્ષા કેન્દ્રો પર બીજા તબક્કાની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. અંદાજે 20,000 થી વધુ ઉમેદવારોએ આ અત્યંત સ્પર્ધાત્મક કસોટી આપી હતી. ગત 8 ઓગસ્ટના રોજ યોજાયેલી જનરલ નોલેજની પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ આજે 6 સપ્ટેમ્બરે બીજા તબક્કાની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ 25 પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનું મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોલ ટિકિટની ઝીણવટભરી તપાસ બાદ જ ઉમેદવારોને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પારદર્શકતા જાળવવાના હેતુથી પીવાના પાણીની બોટલો પર રહેલા સ્ટીકરો પણ હટાવી દેવામાં આવ્યા હતા. સવારે 11 થી 1 વાગ્યાના નિર્ધારિત સમયગાળા દરમિયાન કડક બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી.
આ પણ વાંચો
આજના પ્રશ્નપત્રમાં મુખ્યત્વે જાહેર વહીવટ, વહીવટી કૌશલ્ય, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (HRM) અને નાણાકીય વ્યવસ્થાપન જેવા વ્યાવસાયિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પરીક્ષા આપીને બહાર નીકળેલા ઉમેદવારોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. મોટાભાગના પરીક્ષાર્થીઓના મતે પ્રશ્નપત્ર અપેક્ષા કરતા વધુ લાંબુ અને તાર્કિક (Logical) હતું. પ્રશ્નોની ગૂંચવણભરી રજૂઆતને કારણે ઘણા ઉમેદવારોને નિર્ધારિત 2 કલાકનો સમય ઓછો પડ્યો હતો.
પરીક્ષામાં બેઠેલા અને હાલ સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ઉમેદવાર કાન્હા ચુનારાએ જણાવ્યું હતું કે, સરકારી નોકરી સાથે આ પ્રકારની ઉચ્ચ સ્તરીય પરીક્ષાની તૈયારી કરી છે. સરકારે રોજગારીની તકો વધારવી જોઈએ અને ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
રાજુલાથી પરીક્ષા આપવા આવેલા અન્ય એક ઉમેદવાર દિનેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 5 વર્ષથી વિવિધ સરકારી ભરતી પરીક્ષાઓ માટે સતત મહેનત કરી રહ્યા છે. પ્રથમ તબક્કાની GK ની પરીક્ષા બાદ આ બીજા તબક્કા માટે તેમણે સઘન તૈયારી કરી હતી.
