Ahmedabad Airport Emergency Landing: ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લખનઉથી સાઉદી અરેબિયાના દમામ જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ (ફ્લાઇટ નંબર 6E-097) માં મુસાફરી દરમિયાન અચાનક અફરાતફરી મચી ગઈ હતી. પ્લેનની અંદરથી એક ટિશ્યૂ પેપર મળી આવ્યું હતું, જેના પર અંગ્રેજીમાં 'બોમ્બ' જેવો ખતરનાક શબ્દ લખેલો હતો. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ફ્લાઇટમાં 133 લોકો સવાર હતા
આ ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 133 લોકો (જેમાં 120થી વધુ પેસેન્જરો સામેલ હતા) સવાર હતા. જ્યારે ફ્લાઇટ હવામાં હતી ત્યારે શંકાસ્પદ ટિશ્યૂ પેપર મળવાની વાત સામે આવતા જ પાયલટે સુરક્ષા એજન્સીઓ સાથે સંપર્ક કર્યો હતો. સાંજે અંદાજે 5:55 વાગ્યે વિમાને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
પ્લેન લેન્ડ થતાં જ એરપોર્ટ ઓથોરિટી, CISF સિક્યુરિટી, ફાયર બ્રિગ્રેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (Bomb Squad) તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા અને પ્લેનને ઘેરી લીધું હતું.
મુસાફરોના હેન્ડરાઇટિંગ સેમ્પલ લેવાની તજવીજ
સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ગંભીર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ટિશ્યૂ પેપર પર આ કોણે અને શા માટે લખ્યું છે તે શોધી કાઢવા માટે ફ્લાઇટમાં બેઠેલા તમામ મુસાફરોના હસ્તાક્ષર (Handwriting Samples) મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક પેસેન્જરને અલગથી ટિશ્યૂ પેપર કે કાગળ પર લખાવીને અક્ષરોનું મિલાન કરવામાં આવી રહ્યું છે, જેથી અસલી આરોપી સુધી પહોંચી શકાય. તમામ મુસાફરોને હેમખેમ નીચે ઉતારીને હાલ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે અને એરપોર્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તાજેતરના સમયમાં સુરક્ષા એજન્સીઓ માટે પડકાર
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં અલગ-અલગ જગ્યાએ ફ્લાઇટ્સ, શાળાઓ અને સરકારી ઈમારતોને લઈને બોમ્બની ખોટી કે ડાબેરી ધમકીઓ મળવાના કિસ્સાઓમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા જ સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં પણ સફેદ ટિશ્યૂ પેપર પર કાળી પેનથી 'BOMB DEAD' જેવું લખાણ મળી આવવાની ઘટના બની હતી. હાલ સુરક્ષા એજન્સીઓ આ તમામ પાસાઓ પર ગંભીરતાથી તપાસ કરી રહી છે.
