Ahmedabad News: ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GLDC) ભરૂચના તત્કાલીન ફિલ્ડ આસિસ્ટન્ટ વાલિયા શિબાભાઈ ઝુંઝાભાઈ ઉર્ફે ભૂપતભાઈ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સુરત સબ-ઝોનલ ઓફિસ દ્વારા મની લોન્ડરિંગ અટકાયત કાયદા (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરીને આરોપીની અંદાજે રૂ. 1.15 કરોડની કિંમત ધરાવતી 15 જેટલી સ્થાવર મિલકતોને કામચલાઉ ધોરણે ટાંચમાં (પ્રોવિઝનલ એટેચમેન્ટ) લેવામાં આવી છે. આ મિલકતો ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઇડી દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, જપ્ત કરવામાં આવેલી આ 15 સ્થાવર મિલકતો અલગ-અલગ વિસ્તારોમાં ફેલાયેલી છે. આ મિલકતોમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા અને તળાજા, અમદાવાદના ઓઢવ અને સાબરમતી વિસ્તાર તેમજ મહારાષ્ટ્રના પુણે સ્થિત હડપ્સર ખાતે આવેલી વિવિધ સ્થાવર મિલકતો છે. આ તમામ મિલકતોને પીએમએલએ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ગત 21 સપ્ટેમ્બર 2026ના રોજ કામચલાઉ ધોરણે જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) પોલીસ સ્ટેશનમાં આરોપી વાલિયા શિબાભાઈ ઝુંઝાભાઈ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ એફઆઈઆર (FIR) અને ત્યારબાદ ભાવનગરની સ્પેશિયલ (ACB) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે ઇડી દ્વારા મની લોન્ડરિંગના પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GLDC) ભરૂચ ખાતે તત્કાલીન ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વાલિયા શિબાભાઈ ઝુંઝાભાઈ ઉર્ફે ભૂપતભાઈ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(b) અને કલમ 13(2) હેઠળ ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઇડીની નાણાકીય તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં સ્પષ્ટ થયું હતું કે, વાલિયા શિબાભાઈ ઝુંઝાભાઈએ સરકારી કર્મચારી (જાહેર સેવક) તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદેસરની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં ઘણી વધારે સંપત્તિ મેળવી હતી. આરોપીએ પોતાના કાર્યકાળ દરમિયાન કુલ રૂ. 1,15,18,350 જેટલી અપ્રમાણસર સંપત્તિ ગેરકાયદેસર રીતે એકત્ર કરી હોવાનું તપાસમાં પુરવાર થયું હતું. આ ગેરકાયદેસર કમાણીમાંથી ઊભી કરાયેલી અને રૂ. 1,14,98,600ની કુલ બજાર કિંમત ધરાવતી 15 સ્થાવર મિલકતોને ઇડી દ્વારા પીએમએલએ, 2002ની કલમ 5(1) હેઠળ ટાંચમાં લેવામાં આવી છે. આ સમગ્ર કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સો અને નાણાકીય વ્યવહારો અંગે એજન્સી દ્વારા આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
