Driving Licence Apply Online Without Agent 2026: ગુજરાતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાની પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં વહેંચાયેલી છે, જેમાં સૌ પ્રથમ sarathi.parivahan.gov.in વેબસાઇટ પર જઈ જરૂરી વ્યક્તિગત વિગતો ભરી, ઉંમર અને સરનામાના પુરાવા (PDF સ્વરૂપે) તથા ફોટો-સહી અપલોડ કરી લર્નિંગ લાઈસન્સ માટે સ્લોટ બુક કરાવવાનો હોય છે. નિર્ધારિત તારીખે RTO કે ITI ખાતે અસલ દસ્તાવેજો સાથે રૂબરૂ જઈ કોમ્પ્યુટર પર ટ્રાફિક નિયમોની પરીક્ષા પાસ કર્યા બાદ લર્નિંગ લાઈસન્સ ઓનલાઇન મેળવી શકાય છે, જેના એક મહિના પછી અને છ મહિનાની અંદર પાકા લાઈસન્સ માટે ઓનલાઇન અરજી કરી, ફી ભરીને પ્રેક્ટિકલ ડ્રાઈવિંગ ટેસ્ટનો સ્લોટ બુક કરવાનો રહે છે. અંતિમ તબક્કામાં RTO ટ્રેક પર વાહન ચલાવીને પ્રેક્ટિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ, ૧૫ થી ૩૦ દિવસમાં સ્માર્ટ કાર્ડ લાઈસન્સ સ્પીડ પોસ્ટ દ્વારા સીધું જ અરજદારના ઘરે પહોંચી જાય છે.
ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ
ડ્રાઈવિંગ લાઈસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સફેદ પેપર પર તમારી સહી
- ઉંમરનો પુરાવોઃ જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) અથવા પાન કાર્ડ. (કોઈ પણ એક)
- સરનામાનો પુરાવોઃ આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ચૂંટણી કાર્ડ. (કોઈ પણ એક)
યાદ રાખવાની બાબત
- અપલોડ કરવા મારે ડોક્યુમેન્ટ સ્કેન કરી pdf સ્વરૂપે તૈયાર રાખો.
- જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે ટેસ્ટ આપવા જાવ ત્યારે સાથે રાખવા. (ઓરીજનલ)
A) લર્નિંગ લાઈસન્સ માટે અરજી કરવાની પ્રક્રિયા
- સ્ટેપ 1: પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ sarathi.parivahan.gov.in પર જાઓ.
- સ્ટેપ 2: હોમ પેજ પરથી તમારું રાજ્ય 'Gujarat' પસંદ કરો.
- સ્ટેપ 3: નવું પેજ ખુલશે, તેમાં 'Apply for Learner License' વિકલ્પ પર ક્લિક કરો અને 'Continue' આપો.
- સ્ટેપ 4: જો તમે પહેલી વાર લાઇસન્સ કાઢી રહ્યા છો તો આપેલ પ્રથમ વિકલ્પ પસંદ કરીને તમારી કેટેગરી સિલેકટ કરો.
- સ્ટેપ 5: ત્યાર બાદ નીચે તમારે કઈ RTO ઓફિસ લાગે છે તે અને તમે જગ્યાએ ટેસ્ટ આપવા જશો તે પસંદ કરીને સબમિટ પર ક્લિક કરો.
- સ્ટેપ 6: હવે એક ફોર્મ ખુલશે જેમાં તમારું પૂરું નામ, તમારા પિતાનું પૂરું નામ, જાતિ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, મોબાઇલ નંબર, સરનામું જેવી જાણકારી ભરવાની રહેશે.
- સ્ટેપ 7: ત્યારબાદ તમારે કયા વાહન માટે લાયસન્સ કાઢવું છે તે પસંદ કરવાનું રહેશે. જેનું ઉદાહરણ નીચે આપ્યું છે.
માત્ર ગિયર વગરના ટૂ-વ્હીલર : MCWOG
ગિયર વાળા ટુ-વ્હીલર : MCWG
ફોર-વ્હીલર માટે : LMV
બાઇક અને કાર બંનેનું લાઈસન્સ એકસાથે કઢાવવું હોય તો: તમારે લિસ્ટમાંથી પહેલા MCWG સિલેક્ટ કરીને જમણી બાજુના બોક્સમાં એડ કરવાનું રહેશે અને ત્યારપછી LMV સિલેક્ટ કરીને તેને પણ એડ કરવાનું રહેશે. (આમ, તમે બંને લાઇસન્સ માટે એક જ ફોર્મમાં અરજી કરી શકશો).
- સ્ટેપ 8: 'Self-Declaration (Form 1)' ભરવાનું રહેશે ત્યાર બાદ કેપ્ચા ભરી સબમિટ પર ક્લિક કરો.
- સ્ટેપ 9: તમારા જરૂરી દસ્તાવેજો (ઉંમરનો પુરાવો અને સરનામાનો પુરાવો), તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને કોરા કાગળ પર કરેલી સહી સ્કેન કરીને અપલોડ કરો. (અપલોડ pdf સ્વરૂપે જ થશે.)
- સ્ટેપ: 10 (સ્લોટ બુકિંગ): ત્યાર બાદ 'LL Test Slot Booking' નો વિકલ્પ આવશે. તેમાં જઈને તમારા નજીકના RTO અથવા ITI (જ્યાં તમે ટેસ્ટ આપવા માંગતા હોવ) માટે તમારી અનુકૂળ તારીખ અને સમયનો સ્લોટ બુક કરો અને એપોઇન્ટમેન્ટ લેટરની પ્રિન્ટ કાઢી લો.
- સ્ટેપ 11: ત્યારબાદ ઓનલાઇન ફી ભરો અને રસીદની પ્રિન્ટ કાઢી લો.
- સ્ટેપ 12: (રૂબરૂ મુલાકાત અને ટેસ્ટ): બુક કરેલી તારીખે તમારે તમારા અસલ દસ્તાવેજો અને ઓનલાઈન ફોર્મની પહોંચ લઈને નક્કી કરેલા સમયે RTO અથવા ITI જવાનું રહેશે. ત્યાં તમારો ફોટો લેવાશે અને કમ્પ્યુટર પર ટ્રાફિકના નિયમોનો ટેસ્ટ લેવાશે. (આ ટેસ્ટમાં 15 માંથી 9 જવાબો સાચા પડવા જરૂરી છે).
યાદ રાખો
- લર્નિંગ લાઇસન્સની ફી હંમેશા છેલ્લે ભરવી કેમ કે ફી ભર્યા પછી ફોર્મમાં કોઇ પ્રકારનો સુધારો થશે નહીં.
- ટેસ્ટ પાસ કર્યા પછી થોડા જ કલાકોમાં તમારું લર્નિંગ લાઇસન્સ ઓનલાઇન મંજૂર થઇ જશે, જે તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો.
B) પાકા ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની પ્રક્રિયા
આ પ્રક્રિયા બધા માટે સમાન જ હોય છે. લર્નિંગ લાઈસન્સ ઈશ્યૂ થયાના 30 દિવસ (1 મહિના) પછી અને 6 મહિના પહેલાં તમારે પાકા લાઈસન્સ માટે પ્રક્રિયા કરવાની રહેશેઃ
- સ્ટેપ 1: ફરીથી તે જ વેબસાઇટ પર જઇને રાજ્ય ગુજરાત પસંદ કરો અને 'Apply for Driving License' પર ક્લિક કરો.
- સ્ટેપ 2: તમારો લર્નિંગ લાઇસન્સ નંબર અને જન્મ તારીખ નાખશો એટલે તમારું ફોર્મ ખુલી જશે.
- સ્ટેપ ૩: જરૂરી વિગતો કન્ફર્મ કરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરો અને પાકા લાઇસન્સની ફી ભરો.
- સ્ટેપ 4 (ડ્રાઈવિંગ ટેસ્ટ સ્લોટ બુકિંગ): ઓનલાઇન 'DL Test Slot Booking' પર જઇને વાહન ચલાવી બતાવવા માટે (ટ્રેક ટેસ્ટ માટે) તારીખ અને સમયનો સ્લોટ બુક કરો.
- સ્ટેપ 5 (RTO મુલાકાત): બુક કરેલા સમયે તમારે તમારા વાહન સાથે (જે વાહન માટે અરજી કરી હોય તે વાહન લઈને) RTO કચેરીના ડ્રાઇવિંગ ટ્રેક પર જઇને પ્રેક્ટિકલ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાનો રહેશે.
જો તમે ટ્રેક પર વાહન બરાબર ચલાવીને પાસ થઇ જશો, તો તમારું ફાઈનલ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ બની જશે અને 15 થી 30 દિવસમાં સ્પીડ પોસ્ટ દ્વારા સીધું જ તમારા સરનામે આવી જશે.
Self-Declaration (Form 1) ભરવાની રીત
આ'Self-Declaration (Form 1)' એ તમારી શારીરિક યોગ્યતા (Physical Fitness) માટેનું ફોર્મ છે. સામાન્ય રીતે, જો તમને કોઈ ગંભીર શારીરિક તકલીફ ન હોય, તો આ ફોર્મ નીચે મુજબ ભરવાનું હોય છેઃ
- (A) શું તમને વાઇ (Epilepsy) કે અચાનક બેભાન થઇ જવાની બીમારી છે? No
- (B) શું તમને 25 મીટર દૂરથી વાહનની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાય છે? (ચશ્મા પહેરીને કે ચશ્મા વગર) Yes (ધ્યાન રાખો, એક સ્વસ્થ વ્યક્તિ માટે સામાન્ય રીતે ફક્ત આમાં જ 'Yes' આવશે).
- (C) શું તમારો કોઇ હાથ-પગ કપાયેલો છે કે સ્નાયુઓની કોઇ નબળાઇ છે જેનાથી વાહન ચલાવવામાં તકલીફ પડે? No
- (D) શું તમને રતાંધળાપણું (Night blindness) છે? No
- (E) શું તમને સામાન્ય અવાજ સાંભળવામાં બહેરાશ છે? No
- (F) શું તમને વાહન ચલાવવામાં જોખમ ઉભું થાય તેવી કોઇ અન્ય બીમારી કે શારીરિક ખામી છે? No
આ 6 પ્રશ્નોના જવાબ આપ્યા પછી, ફોર્મની નીચે એક નાનું ચોરસ બોક્સ (Declaration Box) હશે. તેમાં ટીક કરીને, નીચે આપેલા 'Submit' બટન પર ક્લિક કરી દેવાનું છે.
