દિવાળીમાં ફટાકડાનો તણખો છીનવી શકે છે આંખોની રોશની: અમદાવાદની સિવિલ સહિતની હોસ્પિટલોમાં 150થી વધુ કેસ નોંધાયા

સિવિલના આંખના આરએમઓ ડૉ. ઉમંગ મિશ્રાના જણાવ્યા અનુસાર, દિવાળીના પર્વ પર 12 અને અન્ય દિવસોમાં સરેરાશ બે દર્દીઓ આંખની ઈજાની સારવાર માટે પહોંચે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Nov 2026 07:26 AM (IST)Updated: Mon, 09 Nov 2026 07:26 AM (IST)
diwali-2026-firecracker-eye-injuries-ahmedabad-civil-hospital-cases
ફટાકડાથી આંખમાં થતી ઇજાઓ દિવાળી

Firecracker Eye Injuries Diwali: દિવાળીના પાવન તહેવારમાં ઉત્સાહ અને ઉમંગ વચ્ચે જરાક જેટલી અસાવધાની ખુશીઓને માતમમાં ફેરવી શકે છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે થતી લાપરવાહીના કારણે અસંખ્ય લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દિવાળીના તહેવારો દરમિયાન આંખની ઈજાના 150થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ચોંકાવનારી બાબત એ છે કે આ ઇજાગ્રસ્તોમાં આશરે 90 ટકા કેસો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના છે. સમયસર યોગ્ય સારવાર ન મળે તો દર્દીઓએ કાયમી ધોરણે દષ્ટિ ગુમાવવાનો ગંભીર જોખમ ઉભો થાય છે.

સિવિલ હોસ્પિટલમાં દિવાળીના દિવસે 12 દર્દીઓ સારવાર અર્થે પહોંચ્યા

અમદાવાદની પ્રખ્યાત સિવિલ આંખની હોસ્પિટલમાં દિવાળીના દિવસે જ આંખની ગંભીર ઇજાઓ સાથે 12 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. સિવિલના આંખના આરએમઓ ડૉ. ઉમંગ મિશ્રાના જણાવ્યા અનુસાર, દિવાળીના પર્વ પર 12 અને અન્ય દિવસોમાં સરેરાશ બે દર્દીઓ આંખની ઈજાની સારવાર માટે પહોંચે છે. નેત્રાલય હોસ્પિટલના વડા ડૉ. ભરત ગઢવીના જણાવ્યા મુજબ, એસોસિએશન સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં દિવાળીના સમયગાળા દરમિયાન આશરે 80 કેસ નોંધાયા છે, જ્યારે અન્ય જગ્યાઓ મળીને આ આંકડો 150ને વટાવી ગયો છે.

કીકી ફાટી જવી અને રેટિના ખસી જવાના ગંભીર કેસો

ફટાકડામાંથી નિકળતો તણખો, બારૂદ કે ધાતુનો ટુકડો જ્યારે આંખમાં વાગે છે ત્યારે સામાન્ય ઈજાથી લઈને આંખની કીકી ફાટી જવી, કોર્નિયાને નુકસાન થવું, મોતિયાને ઈજા પહોંચવી અને રેટિના (આંખના પાછળના પડદા) ખસી જવાની અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આવા જટિલ કેસોમાં હવે આધુનિક 3D ટેક્નોલોજીથી સર્જરી કરવામાં આવે છે, જેમાં વિશેષ તાલીમ પામેલા નિષ્ણાતો દ્વારા આંખના આગળના ભાગથી લઈને પાછળના રેટિના સુધીની સારવાર એક જ ઓપરેશનમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. નેત્રાલયમાં છેલ્લા 10 વર્ષથી દિવાળીના દિવસોમાં 24 કલાક ઈમરજન્સી સેવા કાર્યરત છે.

આંખ બચાવવા માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

નિષ્ણાત તબીબોના જણાવ્યા મુજબ, ફટાકડા ફોડતી વખતે થોડી સાવચેતી રાખીને મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે:

  • સલામત અંતર રાખો: ફટાકડા સળગાવ્યા બાદ તરત જ તેનાથી સુરક્ષિત અંતરે દૂર ખસી જાઓ.
  • બાળકોને એકલા ન છોડો: વડીલોની દેખરેખ અને ઉપસ્થિતિ વગર ક્યારેય બાળકોને ફટાકડા ફોડવા દેવા નહીં.
  • સુરક્ષિત ચશ્મા પહેરો: ફટાકડા ફોડતી વખતે આંખોને તણખાથી બચાવવા માટે રક્ષણાત્મક ચશ્માનો ઉપયોગ કરો.
  • ફૂટેલો ફટાકડો ફરી સળગાવશો નહીં: જો કોઈ ફટાકડો ન ફૂટ્યો હોય તો તેની નજીક તરત જ ન જવું અને તેને ફરી સળગાવવાનો પ્રયાસ કરવો નહીં.
  • ઇજા થાય તો ક્યારેય આંખ ઘસશો નહીં: જો આંખમાં ઈજા થાય તો આંખને ક્યારેય અડકવું કે ચોળવું નહીં તેમજ અંદર ઘૂસેલી વસ્તુ જાતે બહાર કાઢવાનો પ્રયાસ ન કરતા તુરંત જ નેત્ર નિષ્ણાત ડૉક્ટર પાસે પહોંચવું.