હવે ફ્લાઇટ બદલવાની ઝંઝટ ખતમ! અમદાવાદીઓ સીધા પહોંચશે વિયેતનામના ફૂ ક્વોક ટાપુ પર

અમદાવાદીઓ માટે આનંદના સમાચાર! 3 ડિસેમ્બરથી અમદાવાદ અને વિયેતનામના ફૂ ક્વોક ટાપુ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ રહી છે. જાણો સમય, બેગેજ લિમિટ અને સંપૂર્ણ ટાઇમટેબલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 22 Oct 2026 03:04 AM (IST)Updated: Thu, 22 Oct 2026 03:04 AM (IST)
direct-ahmedabadphu-quoc-flights-launch-dec-3

Ahmedabad To PhuQuoc Flight: ગુજરાતના પ્રવાસીઓ માટે હવે વિયતનામનું સુંદર ફૂ ક્વોક (Phu Quoc) ટાપુ ફરવા જવાનું પહેલા કરતા ઘણું આસાન થઈ ગયું છે. 3 ડિસેમ્બરથી અમદાવાદ અને વિયેતનામ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ સેવા શરૂ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે 'સન ફૂ ક્વોક એરવેઝ' ભારતની અંદર પોતાની આ પહેલી ફ્લાઇટ અમદાવાદથી જ લોન્ચ કરી રહી છે, જે આપણા શહેર માટે ગર્વની વાત છે.

કનેક્ટિંગ ફ્લાઇટ્સની ઝંઝટમાંથી મુક્તિ

અગાઉ વિયેતનામ જવા માટે પ્રવાસીઓએ અલગ-અલગ જગ્યાએ ફ્લાઇટ બદલવી પડતી હતી અને સમય પણ બગડતો હતો. પરંતુ હવે આ ડાયરેક્ટ રૂટ શરૂ થવાથી મુસાફરો સીધા જ ફૂ ક્વોક પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં આ વિમાન અઠવાડિયામાં પાંચ દિવસ (સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવાર) ઉડાન ભરશે. જ્યારે પ્રવાસીઓનો ઘસારો જોતા એરલાઇને ફેબ્રુઆરી 2027થી આ ફ્લાઇટને ડેઇલી ચલાવવાની પણ પૂરી તૈયારી કરી લીધી છે.

સમય અને મુસાફરીની વિગતો

એરલાઇનના ટાઇમટેબલ મુજબ, ફ્લાઇટ નંબર 9G315 સાંજે 7:35 વાગ્યે ફૂ ક્વોકથી ઉપડીને રાત્રે 11:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે.

જ્યારે પરત ફરતી ફ્લાઇટ 9G314 રાત્રે 1:00 વાગ્યે અમદાવાદથી રવાના થઈને સવારે 7:15 વાગ્યે ફૂ ક્વોક પહોંચાડશે.

આ સફર માટે કંપની મોર્ડન એરબસ A321neo પ્લેનનો ઉપયોગ કરશે. મુસાફરોની સગવડ માટે ટિકિટ સાથે 23 કિલોગ્રામ ચેક્ડ બેગેજ અને 7 કિલોગ્રામ હેન્ડ બેગેજની મંજૂરી આપવામાં આવી છે. આટલું જ નહીં, ખાસ કરીને ભારતીય મુસાફરોની ખાણી-પીણી અને પસંદ-નાપસંદને ધ્યાનમાં રાખીને ફ્લાઇટની અંદર ફૂડ મેનૂ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

ભારતીય ટુરિસ્ટ્સમાં વિયેતનામનો ભારે ક્રેઝ

આંકડાઓ પર નજર કરીએ તો, વિયતનામ પ્રત્યે ભારતીયોનો પ્રેમ સતત વધી રહ્યો છે. કોઈ પણ ડાયરેક્ટ ફ્લાઇટ ન હોવા છતાં વર્ષ 2025માં આશરે 1.5 લાખ ભારતીયોએ એકલા ફૂ ક્વોકની મુલાકાત લીધી હતી, જે ગત વર્ષ કરતાં 328% જેટલો જંગી વધારો બતાવે છે.

અમદાવાદથી શરૂ થયેલી આ કનેક્ટિવિટી માત્ર ફૂ ક્વોક પૂરતી સીમિત નથી, પરંતુ ત્યાંથી મુસાફરો હનોઈ, હો ચી મિન્હ સિટી, દા નાંગ અને ન્હા ટ્રાંગ જેવા વિયેતનામના અન્ય ફેમસ સ્થળોએ પણ સરળતાથી કનેક્ટ થઈ શકશે. આગામી સમયમાં એરલાઇન ભારતના અન્ય શહેરોમાં પણ પોતાના પગપેસારા કરવાની યોજના બનાવી રહી છે.