Diljit Dosanjh Ahmedabad Concert: પોતાના એનર્જેટિક સોંગ્સ અને અનોખા અંદાજથી પૂરી દુનિયા સહિત ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ એવા જાણીતા પંજાબી સિંગર દિલજીત દોસાંજ પોતાના હાઈ વોલ્ટેજ લાઈવ કોન્સર્ટ માટે અમદાવાદ ખાતે આવી ગયા છે. શહેરમાં આગમન બાદ તેઓ અમદાવાદની જાણીતી લક્ઝરી હોટલ આઈટીસી નર્મદા ખાતે રોકાણ કર્યું છે. દિલજીતના આગમનની ખબર વાયુવેગે પ્રસરતાં જ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે.
હોટલ ITC નર્મદામાં રાત્રિ રોકાણ
અમદાવાદમાં પગ મૂકતાની સાથે જ દિલજીત દોસાંજનો ક્રેઝ શહેરમાં જોવા મળી રહ્યો છે. હોટલ ITC નર્મદા ખાતે રોકાયેલા આ પંજાબી સુપરસ્ટારની એક ઝલક મેળવવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ દિલજીતના આગમનના સમાચાર જબરા ટ્રેન્ડ કરી રહ્યા છે.
કોન્સર્ટ સ્થળે તૈયારીઓને આખરી ઓપ
દિલજીત દોસાંજના આ લાઈવ કોન્સર્ટને લઈને ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કોન્સર્ટની ટિકિટો માટે પહેલાથી જ ભારે પડાપડી જોવા મળી હતી. હવે જ્યારે ખુદ દિલજીત અમદાવાદ આવી પહોંચ્યા છે, ત્યારે શહેરમાં કોન્સર્ટનો માહોલ બરાબરનો જામી ગયો છે. બીજી તરફ, આયોજકો દ્વારા કોન્સર્ટ સ્થળે સ્ટેજ, સાઉન્ડ અને લાઈટિંગ સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી દર્શકોને એક યાદગાર સંગીતમય સાંજનો અનુભવ મળી શકે.
