Ration Card News: અમદાવાદના સાબરમતી ઝોનથી શનિવારે 'ડિજિટલ ફૂડ કરન્સી'ના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઑફ કોન્સેપ્ટ (PoC) નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમના અમલીકરણ સાથે જ હવે રેશનકાર્ડ ધારકોને સર્વર ડાઉન હોવાને કારણે કે બાયોમેટ્રિક (અંગૂઠાના નિશાન) ન આવવાને કારણે પડતી મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે.
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
ભારત સરકાર અને રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) ના સહયોગથી વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ અત્યંત સરળ છે:
- ડિજિટલ વોલેટ: લાભાર્થીના મોબાઈલ ફોનમાં RBI દ્વારા એક ખાસ ડિજિટલ વોલેટ બનાવવામાં આવે છે.
- ડિજિટલ કૂપન્સ: દર મહિનાની પહેલી તારીખે સરકાર દ્વારા અનાજ માટેની ડિજિટલ કૂપન્સ સીધી આ વોલેટમાં જમા કરી દેવામાં આવશે.
- QR કોડ સ્કેનિંગ: લાભાર્થી જ્યારે સસ્તા અનાજની દુકાને જશે, ત્યારે તેણે માત્ર દુકાનદારનો QR કોડ સ્કેન કરવાનો રહેશે. કોડ સ્કેન થતા જ કૂપન રિડીમ થઈ જશે અને અનાજ મળી શકશે.
બાયોમેટ્રિક અને સર્વરની સમસ્યાનો અંત
અગાઉની ઈ-પોસ (e-PoS) સિસ્ટમમાં ઘણીવાર સર્વર ડાઉન હોવાને કારણે અથવા વૃદ્ધોના અંગૂઠાના નિશાન મેચ ન થવાને કારણે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, આ નવી પ્રણાલીમાં માત્ર એક સ્કેનથી વિતરણ શક્ય બનશે, જેનાથી સમય બચશે અને વિતરણ પ્રણાલી અત્યંત ઝડપી બનશે. ભલે વસ્તુઓ અલગ-અલગ હોય, પણ બધી કૂપન એકસાથે રિડીમ કરી શકાશે.
પારદર્શિતા અને ચોરી પર રોક
આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી રેશનના અનાજની બારોબાર થતી ચોરી અટકી જશે. લાભાર્થી પોતાની મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકશે કે તેને કઈ અને કેટલી વસ્તુઓ મળવાપાત્ર છે. અનાજ લીધા પછી તુરંત જ તેની ડિજિટલ રિસીપ્ટ પણ મોબાઈલમાં આવી જશે, જેથી લાભાર્થી જાણી શકશે કે તેના માટે સરકાર કેટલો ખર્ચ કરી રહી છે.
