અમદાવાદ, રંગોના તહેવાર હોળીનો બીજો દિવસ ધૂળેટી આજે અમદાવાદમાં અદભૂત ઉત્સાહ અને ધૂમધામ સાથે ઉજવાઈ ગઈ. ફાગણી પૂનમના પર્વને અનુરૂપ આજે શહેરના પોળ, સોસાયટીઓ, પાર્કો અને પાર્ટી પ્લોટમાં લોકો એકબીજાને ગુલાલ અને રંગોથી રંગીને આનંદ માણ્યો. ઢોલના તાલે નાચગાન અને ડીજેના બીટ્સ સાથે યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.
શહેરની વિવિધ સોસાયટીઓમાં નાના બાળકોથી લઈ મોટેરાઓએ ધૂળેટીનો આનંદ માણ્યો હતો. બોપલમાં આવેલી દેવ 181 સોસાયટીમાં પણ ઉત્સાહભેર ધૂળેટી ઉજવાઈ હતી. તમામના ચહેરાઓ કલરથી જોવા જેવા હતા.
અમદાવાદના મંદિરમાં પણ ધૂળેટીની ભવ્ય ઉજવણી થઈ, જ્યાં ભક્તોએ ભગવાન દર્શન કરીને રંગોત્સવની શરૂઆત કરી. અહીં પરંપરાગત રીતે ફૂલો અને ગુલાલથી હોળી રમવામાં આવી, જેનાથી આધ્યાત્મિક અને ઉત્સાહી વાતાવરણ સર્જાયું. શહેરના અનેક વિસ્તારોમાં પરિવારો અને મિત્રમંડળોએ એકબીજા પર રંગ ફેંકીને તહેવારની મજા માણી.
આ વખતે ધૂળેટીના દિવસે અનેક પ્રાઈવેટ પાર્ટી પ્લોટ અને રિસોર્ટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રેઈન ડાન્સ, ઓર્ગેનિક કલર્સ, લાઈવ ઢોલ-ડીજે પર્ફોર્મન્સ અને અનલિમિટેડ ફૂડ સાથેના ઈવેન્ટ્સમાં હજારો યુવાનો ઉમટ્યા હતા. ઇન્ફોસિટી ક્લબ, પ્રસંગ પાર્ટી પ્લોટ અને અન્ય જગ્યાએ આયોજિત મોટા કાર્યક્રમોમાં રંગોની રમઝટ અને સંગીતનો માહોલ છવાયો રહ્યો.
ધૂળેટીએ અમદાવાદને રંગોની રમઝટમાં રંગી નાખ્યું અને લોકોમાં ભાઈચારો તથા ખુશીનો સંચાર કર્યો. આ તહેવારે ફરી એકવાર સાબિત કર્યું કે ગુજરાતીઓ તહેવારોને પોતાની આગવી રીતે અને પૂરા ઉત્સાહથી ઉજવે છે.
