Dholera International Airport, First Flight Trial Landing: ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૈકીના એક એવા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ના વિકાસમાં એક મોટો માઇલસ્ટોન નોંધાયો છે. ધોલેરામાં નિર્માણાધીન ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રથમ વખત એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
AAI દ્વારા પ્રથમ ફ્લાઇટનું સફળ ટ્રાયલ લેન્ડિંગ
એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા હાથ ધરવામાં આવેલ VT-CNS એરક્રાફ્ટનું આ ટ્રાયલ લેન્ડિંગ ધોલેરા એરપોર્ટના વિકાસના આગામી તબક્કાનો માર્ગ મોકળો કરશે. ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એરક્રાફ્ટના સુરક્ષિત લેન્ડિંગ બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેનું પરંપરાગત 'વોટર કેનન સેલ્યુટ' (Water Cannon Salute) દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વોટર કેનન સેલ્યુટ આપીને થયું ભવ્ય સ્વાગત
બે ફાયર ટેન્કર દ્વારા પાણીની કમાન (વોટર આર્ચ) બનાવીને આ આ એરક્રાફ્ટને આવકારવામાં આવ્યું, જે આગામી ધોલેરા એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન શરૂ થવાનું પ્રતીક છે. આ સફળ ટ્રાયલને ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
એવિએશન-લોજિસ્ટિક્સ હબ બનશે ધોલેરા
ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થયા બાદ તે ગુજરાતમાં એક મુખ્ય એવિએશન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે. આ એરપોર્ટના કારણે ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, નવા રોકાણો આકર્ષાશે, પ્રવાસન અને વેપારમાં વધારો થશે તેમજ ધોલેરા SIR અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે રોજગારની નવી તકો ઊભી થશે.
એટલું જ નહીં, ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થવાથી અમદાવાદ સહિતના વર્તમાન એરપોર્ટ પર એર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પણ મોટી મદદ મળશે.
આ પણ વાંચો: અમદાવાદની સરકારી શાળાઓમાં શરૂ થશે સંગીત શિક્ષણ; AMC સ્કૂલ બોર્ડ-યામાહા મ્યુઝિક વચ્ચે સમજૂતી
કેવું હશે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ?
પ્રોજેક્ટની વિગતો અનુસાર, ધોલેરા ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટમાં 3.2 કિલોમીટર લાંબો રનવે બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અહીં એક સાથે 12 એરક્રાફ્ટને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.
કાર્ગોના સંચાલન માટે 10,700 ચોરસ મીટરનું વિશાળ એર કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં 2,450 ચોરસ મીટરનો ઇન્ટરનેશનલ કાર્ગો હેન્ડલીંગ એરિયા, 8,800 ચોરસ મીટરનો પેવ્ડ એરિયા અને 4,260 ચોરસ મીટરના એરસાઇડ કાર્ગો રેમ્પનો સમાવેશ થાય છે.
ભવિષ્યમાં વધતા કાર્ગો ટ્રાફિક અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓને પહોંચી વળવા આયાત અને નિકાસની કામગીરી માટે અલગ અલગ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ આ પ્રથમ ફ્લાઇટના સફળ લેન્ડિંગ અને ટેક-ઓફને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી, જે ધોલેરાના વિકાસના વિઝનને વધુ મજબૂત બનાવશે.
