Dholera Highway Accident: ધોલેરા-ભાવનગર હાઈવે ફરી એકવાર અકસ્માતને કારણે ચર્ચામાં આવ્યો છે. આજે સવારે હેબતપુર ગામ નજીક સુરતથી ભાવનગર જતી બે લક્ઝરી બસ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં કુલ 10 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
વળાંક લેતી બસ સાથે પાછળથી ટક્કર, એક બસ પલટી ગઈ
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત નટરાજ ટ્રાવેલ્સ અને બદ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ વચ્ચે થયો હતો. બંને બસ સુરતથી ભાવનગર તરફ એક જ દિશામાં જઈ રહી હતી. જ્યારે નટરાજ ટ્રાવેલ્સની બસ વળાંક લઈ રહી હતી, ત્યારે પાછળથી આવી રહેલી બદ્રીનાથ ટ્રાવેલ્સની બસ તેની સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, નટરાજ ટ્રાવેલ્સની બસ રોડ પર પલટી મારી ગઈ હતી, જ્યારે બદ્રીનાથ ટ્રાવેલ્સની બસના આગળના ભાગને પણ મોટું નુકસાન થયું હતું.
અકસ્માત બાદ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ઘાયલો પૈકી 3 મુસાફરોની સ્થિતિ નાજુક હોવાથી તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈવે પર અકસ્માતોમાં વધારો
ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આ પહેલા પણ મે મહિનામાં માત્ર 13 દિવસના ગાળામાં બે મોટા અકસ્માતો થયા હતા, જેમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વારંવાર થતા આ ગમખ્વાર અકસ્માતો હાઈવેની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા પર મોટા સવાલ ઊભા કરે છે. તંત્ર દ્વારા આ માર્ગ પર અકસ્માતોને અટકાવવા માટે નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
