Dholera Drum Plantation Project: અત્યંત ખારાશવાળી જમીન ધરાવતા ધોલેરામાં હરિયાળી ઊભી કરવી એક અશક્ય લાગતું કામ હતું. પરંતુ, ગુજરાત વન વિભાગ (અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ) દ્વારા કરવામાં આવેલો નવતર પ્રયોગ 'ડ્રમ પ્લાન્ટેશન' સંપૂર્ણપણે સફળ રહ્યો છે. ધોલેરાના રણ જેવા વિસ્તારમાં હરિયાળું વન ઊભું થઈ રહ્યું છે.
શું છે ડ્રમ પ્લાન્ટેશન અને કેવી રીતે કામ કરશે?
દેશમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ના એક્ટિવેશન એરિયાના બ્લોક નંબર 29 માં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાનીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારની જમીનમાં ઇલેક્ટ્રો-કન્ડક્ટિવિટી ખૂબ ઊંચી હતી, કાર્બન નહીવત હતું. વધુમાં, છ મહિના સુધી પાણી ભરાયેલું રહેતું હતું.
આ પડકારને પહોંચી વળવા રોપાઓને પ્લાસ્ટિકના ડ્રમમાં ઊંચાઈ પર વાવવામાં આવ્યા, જેથી મૂળિયાં જમીનની ખારાશથી સુરક્ષિત રહી શકે. આ ડ્રમમાં રેતી, પોષક તત્ત્વોથી ભરપૂર માટી, વર્મી કમ્પોસ્ટ, સુકુ ઘાસ અને કોકોપીટ ભરવામાં આવ્યા અને હવાની અવરજવર માટે છિદ્રો પાડીને તેને જમીનમાં એક ફૂટ ઊંડે દાટવામાં આવ્યા.
વાહ! એક વર્ષમાં રોપાઓ 12 ફૂટ ઊંચા થઈ ગયા
ઓગસ્ટ 2025 માં પીલુ, કેસૂડો, વડ, પીપળો, દેશી બાવળ, લીમડો, કરંજ સહિત 15 પ્રજાતિનાં 3,200થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા હતા. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) દ્વારા મીઠું પાણી પૂરું પાડવામાં આવ્યું અને ટપક સિંચાઈ (Drip irrigation) વ્યવસ્થા ગોઠવવામાં આવી. પરિણામે, એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે. આજે અહીં નવી ઇકો-સિસ્ટમ ઊભી થઈ છે, જ્યાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે.
સફળતા! હવે 50 હજાર વૃક્ષો વાવવાનું આયોજન
ડ્રમ પ્લાન્ટેશન પાયલોટ પ્રોજેક્ટની આ શાનદાર સફળતાને જોતા DSIRDA દ્વારા આ પ્રયોગને વિસ્તારવા માટે વધુ ફંડ અને 20 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આગામી તબક્કામાં આ જ ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી આશરે 50,000 થી વધુ રોપાઓ વાવવામાં આવશે. ભવિષ્યમાં આ પ્લાસ્ટિકના ડ્રમને દૂર કરીને રિસાયકલ કરવામાં આવશે, જેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણનું જતન કરીને ધોલેરાને વિશ્વસ્તરીય સસ્ટેનેબલ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની દિશામાં આ એક ઐતિહાસિક કદમ છે.
