અમદાવાદ.
ગુજરાતના નવસારી જિલ્લાના ખેરગામમાં શનિવારે રાતે વાસંદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. એક તરફ આજે અનંત પટેલ પોતાના સમર્થકો સાથે ધરણાં પર બેઠા છે, તો બીજી તરફ કોંગ્રેસના એક પછી એક નેતાઓ તેમની મુલાકાત લઈ રહ્યાં છે. એવામાં કોંગ્રેસ કમિટીના મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાએ અનંત પટેલ પરના હુમલાની ઘટનાને વખોડી નાંખી છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પવન ખેરાએ જણાવ્યું કે, ગુજરાતના આદિવાસીઓના હક્ક અને અધિકાર માટે છેલ્લા લાંબા સમયથી શાંતિપૂર્ણ અને ગાંધીચિંધ્યા માર્ગે તાપી પાર લીંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ.
જળ, જંગલ અને જમીનને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કટીબદ્ધ છે. રાહુલ ગાંધીએ પણ અનંત પટેલ પરના હુમલાને નિંદનીય ગણાવ્યો છે અને આ સુનિયોજીત હુમલો ભાજપ સરકારની ગભરાહટ દર્શાવે છે. કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તા-આગેવાનો આદિવાસી ભાઈ-બહેનોના હક્ક અધિકાર માટે છેલ્લા શ્વાસ સુધી લડશે.
કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે 10 ઓક્ટોબરના રોજ આદિવાસીઓના અધિકારો માટે “સંઘર્ષ રેલીનું” આયોજન કર્યું છે. જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો, આદિવાસી આગેવાનો, યુવાનો જોડાશે. આથી હાર ભાળી ગયેલી ભાજપ સરકારે તંત્રનો દુરુપયોગ, જુદા જુદા હથકંડાઓ, સામ, દામ, દંડ, ભેદની નીતિથી તેમને રોકવા માટે સુનિયોજીત હુમલો કરવામાં આવ્યો છે. પોતાની સત્તા ટકાવી રાખવા બેબાકડી બનેલી ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો, પોલીસ તંત્રનો, વહિવટીતંત્રનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ કોંગ્રેસ પક્ષ ડર્યા વગર ઈંટનો જવાબ પથ્થરથી આપશે.
અરવિંદ કેજરીવાલને ડ્રામેબાજ ગણાવીને પવન ખેરાએ જણાવ્યું કે, દિલ્હીના ડ્રામેબાજ ગુજરાતમાં આવીને જુદા જુદા ડ્રામા કરે છે. ગુજરાતમાં મત માંગવા માટે પોતાને કૃષ્ણનો અવતાર બતાવે છે અને દિલ્હીમાં મત મેળવવા હનુમાનનો અવતાર બતાવે છે.
તેમણે “એક મોકાની વાત કરતા” હરિયાણાના કેજરીવાલને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, 24 કલાકમાં ગુજરાતની જનતાને જણાવે કે તે કઈ સીટ ઉપરથી ચૂંટણી લડશે?
જનતાના મંદી-મોંઘવારી, બેરોજગારી જેવા મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે પોસ્ટર વોર કરીને ભાજપ અને તેની બી-ટીમ નાગરિકોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.
ગુજરાત કોંગ્રેસના “કોંગ્રેસ પક્ષનું કામ બોલે છે” પોસ્ટર, ભાજપના પોસ્ટર અને આપ પાર્ટીના પોસ્ટરનો અભ્યાસથી ખ્યાલ આવશે કે, કઈ પાર્ટી ગુજરાતની જનતા માટે મુળમુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી જનલક્ષી - પ્રગતિલક્ષી કામગીરીની વાત કરી રહી છે.
